29 ચીજો પર જીએસટી ઘટ્યો, 59 સેવાઓ પરના ટેક્સના દર ઘટ્યા

0
6776

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ પહેલાં મળી રહેલી જીએસટી બેઠકમાં સામાન્ય નાગરિકોને રાહત આપતો નિર્ણય લેવાયો છે. નાણાંપ્રધાન અરુણ જેટલીની ઉપસ્થિતિમાં યોજાયેલી આજની જીએસટી પરિષદે 29 ચીજો પર જીએસટીમાં ઘટાડો કર્યો છે, જેમાં જીએસટી દર ઘટાડાયો છે તેમાં હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનોને લાભ મળશે.  સાથે જ 39 ચીજવસ્તુ પરનો જીએસટી દર ઘટાડીને 5 ટકા અને 12 ટકા કરી નાંખ્યો છે. અને 59 સેવાઓ પરના ટેક્સના દર ઘટ્યા છે.જોકે હાલપૂરતું જીએસટી રીટર્ન ભરવા માટેના ફોર્મનું સરળીકરણને લઇને કોઇ નિર્ણય લેવાયો નથી. આ મુદ્દે દસેક દિવસ બાદ વિડીયો કોન્ફરન્સિંગ બેઠક યોજાશે. વેપારીઓની માગમી છે કે જીએસટીઆર રીટર્ન ભરવાનું સરળ બનાવાય.

આ ઉપરાંચ રીયલ એસ્ટેટ ઉદ્યોગને જીએસટી હેઠળ લાવવા અંગે પણ કોઇ નિર્ણય આ બેઠકમાં લઇ શકાયો નથી, જોકે ચર્ચા કરવામાં આવી હતી. આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ બેઠકમાં જ રીયલ એસ્ટેટ ઉદ્યોગ જીએસટી હેઠળ લાવી દેવાશે.  રીયલ એસ્ટેટ ઉદ્યોગ જીએસટી હેઠળ લાવવામાં આવે તો સામાન્ય નાગિરકોને સ્ટેમ્પ ડ્યૂટી સહિતની કેટલીક બાબત પર થતાં ખર્ચમાં રાહત મળી શકે છે.

પેટ્રોલ ડીઝલ અંગે પણ આ બેઠકમાં કોઇ નિર્ણય થયો નથી. ઇંધણોની સતત વધતી કીમતોના લીધે પેટ્રોલ 80 રુપિયે લીટર પહોંચી ગયું છે અને ડીઝલ 65ને પાર કરી ગયું છે ત્યારે જીએસટી હેઠળ લાવી ભાવમાં રાહત અપાય તેમ માનવામાં આવી રહ્યું હતું.