રાહુલ ગાંધી પર લેસર ફેંકાઈઃ કોંગ્રેસે કહ્યું, સ્નાઈપરનો ખતરો; ગૃહ મંત્રાલયે કહ્યું એ કેમેરા ફ્લેશ હતી

નવી દિલ્હી – કોંગ્રેસ પાર્ટીએ એવો આક્ષેપ કર્યો છે કે પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધી એમનું ચૂંટણી ઉમેદવારીપત્ર ભરવા માટે આ અઠવાડિયે ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગયા હતા ત્યારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એમની પર લીલા રંગની લેસર લાઈટ ફેંકવામાં આવી હતી. એ લાઈટ શેની હતી એની તપાસ કરવાની કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખીને વિનંતી કરી છે.

આ પત્ર કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓએ લખ્યો છે. એમાં તેમણે એવી ચિંતા વ્યક્ત કરી છે કે જો રાહુલ ગાંધીને કોઈક સ્નાઈપર ગનનાં હુમલા વડે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોય એવી સંભાવના હોય તો એ વિશે તપાસ કરવી જોઈએ અને એવા જોખમને દૂર કરવું જોઈએ.

પત્રમાં, કોંગ્રેસે લખ્યું છે કે રાહુલ ગાંધી એમનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એમના માથા પર અને તેની આસપાસ સાત વખત લીલા રંગની લેસર લાઈટ ફેરવવામાં આવી હતી. બે વખત તો એ લાઈટ એમના જમણી બાજુના લમણાં પર ફેંકવામાં આવી હતી.

કોંગ્રેસે પોતાના આ દાવાના ટેકામાં એક વિડિયો ક્લિપ પણ રાજનાથ સિંહને મોકલી છે.

પત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એહમદ પટેલ, જયરામ રમેશ અને રણદીપ સિંહ સુરજેવાલાએ ફરિયાદ કરી છે.

પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે, વિડિયો ક્લિપ જોતાં પ્રાથમિક રીતે એવું જણાય છે કે આ લેસર કિરણ કોઈ સ્નાઈપર ગન જેવા કોઈક જીવલેણ શસ્ત્રમાંથી છોડવામાં આવી હોઈ શકે છે.

કેન્દ્રીય મંત્રાલયનો ખુલાસો

કોંગ્રેસની ફરિયાદ સામે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી પર કોઈક મોબાઈલ ફોનમાંથી લીલા રંગની લાઈટ ફેંકવામાં આવી હતી અને એ કોઈ સ્નાઈપર ગનમાંથી ફેંકાઈ નહોતી.

રાહુલની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોવાના આક્ષેપને ગૃહ મંત્રાલયે નકારી કાઢ્યો છે. એણે કહ્યું કે કોઈક કેમેરામેનના મોબાઈલ ફોનમાંથી રાહુલનાં માથા પર લીલા રંગની લેસર બીમ ફોકસ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપનું રક્ષણ આપવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]