શત્રુ સંપત્તિ થકી મળ્યાં 11,300 કરોડ રૂપિયા, વિનિવેશનું લક્ષ્ય…

નવી દિલ્હી- શત્રુ શેરોના વેચાણ તેમજ કેન્દ્રીય જાહેર ક્ષેત્ર ઉપક્રમો (સીપીએસઈ) માં પુન:ખરીદીથી સરકારે આ વર્ષે 11,300  કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે. જેનાથી સરકારને ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી 85 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ મળી છે.

કોઈ પણ નાણાંકીય વર્ષ દરમિયાન થયેલા ડિસઇન્વેસ્ટમેન્ટનો આ બીજો સૌથી મોટો આંકડો છે. કેન્દ્રી મંત્રીમંડળે નવેમ્બર 2018માં રોકાણ અને લોક સંપત્તિ પ્રબંધન વિભાગ (દીપમ)ને કંપનીઓના શત્રુ શેરોના વેચાણની મંજૂરી આપી હતી. ત્યારબાદ શત્રુ શેરોને વેચણ મારફતે સરકારે 700 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા. એવા લોકો જે હવે ભારતના નાગરિક નથી અને ચીન કે પાકિસ્તાન જતા રહ્યાં છે, તેવા લોકોની સંપત્તિઓને શત્રુ સંપત્તિ કહેવામાં આવે છે.

આ ઉપરાંત સરકારે કેન્દ્રીય જાહેર એકમોના શેરોની પુન:ખરીદી (બાયબેક)થી 10,600 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરી છે. નાણાંકીય વર્ષ 2018 19માં સરકારે સતત બીજા વર્ષે વિનિવેશના લક્ષ્યથી વધુની રકમ પ્રાપ્ત કરી છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે બજેટમાં 80 હજાર કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ(વિનિવેશ)નો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.

ચાલુ નાણાંકીય વર્ષમાં ઈટીએફ મારફતે 45,729 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યાં. ત્યારબાદ સરકારી પાવર ફાયનાન્સ કોર્પોરેશનમાં આરઈસી દ્વારા સરકારની 52.63 ટકા ભાગીદારી ખરીદવાથી સરકારને 14,500 કરોડ રૂપિયા મળ્યા હતાં. સરકાને પાંચ કંપનીઓ એમએસટીસી, આરઆઈટીઈએસ, ઈરકોન, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને મિઘાનીના આઈપીઓ દ્વારા 1929 કરોડ રૂપિયા મળ્યાં હતાં.

સરકારને કોલ ઈન્ડિયાના વેચાણ રજૂઆત દ્વારા 5218 કરોડ રૂપિયા અને એક્સિસ બેંકમાં એસયુયુટીઆઈની ભાગીદારી વેંચીને 5379 કરોડ રૂપિયા મળ્યા હતાં. પુન:ખરીદીથી સરકારને 10600 કરોડથી વધુ રૂપિયા મળ્યા હતાં. સરકારે આગામી નાણાંકીય વર્ષ માટે 90 હજાર કરોડ રૂપિયાનું વિનિવેશનું લક્ષ્ય રાખ્યું છે.