ગરીબ પરિવારના બાળકો માટે મોદી સરકાર મહત્વનું પગલું ભરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ આગામી થોડા સમયમાં જ કેન્દ્રની મોદી સરકાર ગરીબ પરિવારના બાળકો માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી શકે છે. કેન્દ્ર સરકાર વર્તમાન સમયમાં ચાલી રહેલી રાઈટ ટૂ એજ્યુકેશનની યોજનાને ધોરણ-12 સુધી લંબાવે તેવી શક્યતાઓ છે.

વર્તમાન સમયમાં આ યોજના અંતર્ગત ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળામાં કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર પ્રવેશ આપવામાં આવે છે. બાળકના અભ્યાસનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ” રાઇટ ઓફ ચિલ્ડ્રન ટૂ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન 2009 હેઠળ આ યોજનાને ધોરણ-12 સુધી લંબાવવા અંગેની એક દરખાસ્ત હાલમાં મંત્રાલય પાસે વિચારણાધિન છે.” વર્તમાન સમયમાં જે આરટીઆઈ કાયદો પ્રવર્તમાન છે તેમાં 6 વર્ષથી 14 વર્ષના બાળકો કે જેઓ ધોરણ-1થી ધોરણ-8માં અભ્યાસ કરી રહ્યા છે તેમનો સમાવેશ થાય છે. આ કાયદા પ્રમાણે માઇનોરિટી સંસ્થાઓને બાદ કરતા તમામ સ્કૂલોએ પોતાની 25 ટકા બેઠક ગરીબ બાળકો માટે આરક્ષિત રાખવી પડે છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. ચૂંટણીમાં આ જાહેરાતની મોટી અસર જોવા મળે તેવી શક્યતા છે. સવર્ણ અનામત બાદ મોદી સરકાર ચૂંટણી પહેલા રાઇટ ટુ એજ્યુકેશનને ધોરણ-12 સુધી લંબાવીને વધુ એક ભેટ આપી શકે છે.

આ મુદ્દો ઘણા સમયથી પડતર છે, ચૂંટણી પહેલા સરકાર છેલ્લો ઘા મારવાના ઉદેશ્ય સાથે તેનો ઉપયોગ કરી શકે છે. 2012ના વર્ષમાં યુપીએના શાસનમાં સબ-કમિટી ઓફ ધ સેન્ટ્રલ એડ્વાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (CABE)એ RTEને લંબાવવાની ભલામણ કરી હતી.

નવેમ્બરમાં અશોક અગ્રવાલ કે જેઓ દિલ્હી હાઇકોર્ટના એડ્વોકેટ પણ છે, એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરને એક પત્ર બતાવ્યો હતો. તેમણે ઓલ ઇન્ડિયા પેરેન્ટ્સ એસોશિએશન વતી લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ધોરણ-8નો અભ્યાસક્રમ પૂરો થયા બાદ ખાનગી સ્કૂલો તરફથી EWS (ઇકોનોમીકલી વિકર સેક્સન્સ) બાળકોને આગળના વર્ષ માટે ફી ચુકવવાનો અથવા સ્કૂલ છોડી દેવાનો આદેશ કરવામાં આવી રહ્યો છે.

મંત્રાલયને રજુઆત કરવામાં આવી હતી કે RTE અંતર્ગત ધોરણ-8 સુધી ખાનગી સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યા બાદ ગરીબ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની પાસે ફક્ત સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો વિકલ્પ રહેતો હતો.

અશોક અગ્રવાલે દલીલ કરી હતી કે સરકારી સ્કૂલો હિન્દી અથવા જે તે રાજ્યની સ્થાનિક ભાષામાં હોવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખાસ તકલીફ પડી રહી છે. ધોરણ-8 સુધી ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કર્યા બાદ સરકારી સ્કૂલોનું વાતાવરણ પણ બાળકોને અનુકૂળ નથી આવી રહ્યું. આવા બાળકોને જે-તે સ્કૂલ અથવા આવા જ વાતાવરણમાં અભ્યાસ પૂરો કરવાનો મોકો આપવો જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]