TDP પછી ભાજપથી નારાજ ગોરખા જનમુક્તિ મોરચાએ છેડો ફાડ્યો

કોલકાતા– ટીડીપી પછી હવે ગોરખા જનમુક્તિ મોરચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારને ઝાટકો આપ્યો છે. ગોરખા જનમુક્તિ મોરચાએ એનડીએ સાથેનો છેડો ફાડી નાંખ્યો છે. જીજેએમએ ભાજપ સાથેની નારાજગીને લઈને એનડીએથી અલગ થઈ જવાનો નિર્ણય કર્યો છે.ગોરખા જનમુક્તિ મોરચા(જીજેએમ)એ ભાજપ પર ગોરખાઓનો વિશ્વાસ તોડવાનો આરોપ લગાવ્યો છે. જીજેએમ ઓર્ગેનાઈઝિંગ ચીફ એલએમ લામાએ કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપના નેતૃત્વવાળી એનડીએ સાથે સંબધ નથી. જીજેએમ પશ્વિમ બંગાળના ભાજપ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષના હમણાના નિવેદનથી તેઓ ખુબ જ નારાજ છે. જેમાં તેમણે કહ્યું થે કે તેમની પાર્ટી જીજેએમ સાથે ફકત ચૂંટણી પુરતું જ ગઠબંધન હતું.

એલએમ લામાએ કહ્યું છે કે પશ્વિમ બંગાલ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષના નિવેદનથી ભાજપના નેતાઓના દાવની પોલ ખુલી ગઈ છે. જેમાં તેઓ કહે છે કે જીજેએમ અમારા મિત્ર છે. અને એનડીએનો ઘટક પક્ષ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘોષના નિવેદનથી પીએમ મોદીના દાવાની હકીકત પણ સામે આવી ગઈ છે, તેમાં તેઓ કહે છે કે ગોરખાઓનું સ્વપ્ન એ અમારુ સ્વપ્ન છે.