દેશ માટે ‘અચ્છે દિન’: બાળવિવાહ રોકવામાં દક્ષિણ એશિયામાં ભારત સૌથી આગળ

નવી દિલ્હી- દેશ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતમાં બાળવિવાહના દૂષણ પર ઝડપથી કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. જેના કારણે દક્ષિણ એશિયામાં ભારતમાં બાળવિવાહનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. ગત 10 વર્ષોમાં દક્ષિણ એશિયામાં બાળવિવાહનું પ્રમાણ 50 ટકાથી ઘટી 30 ટકા નોંધાયું છે. જ્યારે યૂનિસેફના રિપોર્ટ પ્રમાણે ગત 10 વર્ષોમાં ભારતમાં બાળવિવાહનું પ્રમાણ 47 ટકાથી ઘટી 27 ટકા થયું છે.ઉલ્લેખનીય છે કે, ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓના લગ્ન બાળવિવાહ માનવામાં આવે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ વર્ષ 2005-06માં ભારતમાં બાળવિવાહનું પ્રમાણ 47 ટકા હતું. જે વર્ષ 2015-16માં ઘટીને 27 ટકા નોંધાયું હતું.

વૈશ્વિક સ્તરે જોઈએ તો, દર પાંચમાંથી એક યુવતિના લગ્ન 18 વર્ષ કરતાં ઓછી ઉંમરે કરવામાં આવે છે. આ પ્રમાણ આશરે 21 ટકા જેટલું નોંધાયું છે. દસ વર્ષ પહેલાં બાળવિવાહનો આ આંકડો લગભગ 25 ટકા જેટલો હતો. વિશેષ કરીને દક્ષિણ એશિયામાં બાળવિવાહનું પ્રમાણ ઝડપભેર ઘટી રહ્યું છે. જે જનજાગૃતિની દિશામાં એક સારી પહેલ કહી શકાય.

હજી પણ છે ચિંતાના અનેક કારણો

યૂનિસેફના રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, કેટલાક જિલ્લાઓમાં હજી પણ બાળવિવાહનું પ્રમાણ વધારે છે. ખાસકરીને આદિવાસી સમુદાય અને અન્ય પછાત જાતિઓમાં આ સમસ્યા ચિંતાજનક છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં બાળવિવાહનું પ્રમાણ 40 ટકા જેટલું છે. જ્યારે તમિલનાડુ અને કેરળમાં આ પ્રમાણ 20 ટકા જેટલું ઓછું છે. જે સારી બાબત છે.

યૂનિસેફના જણાવ્યા મુજબ ભારત ઉપરાંત ઈથોપિયામાં પણ બાળવિવાહના પ્રમાણમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ભારતમાં બાળવિવાહમાં થયેલા ઘટાડા માટે મહિલા સશક્તિકરણ એક મુખ્ય કારણ છે. ઉપરાંત મહિલાઓ સ્વનિર્ભર થઈ રહી છે અને તેમની અપેક્ષાઓ પણ બદલાઈ રહી છે. જે બાળવિવાહ ઘટવા પાછળનું પ્રમુખ કારણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]