સૈન્ય અધિકારીઓને નિર્દેશ: ચીન-પાકિસ્તાનની યુવતીઓના ‘માયાજાળ’થી દુર રહે

નવી દિલ્હી- ભારતીય સૈન્ય અધિકારીઓ માટે જાસુસી એજન્સીએ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સેનાના અધિકારીઓને ચીન અને પાકિસ્તાનની યુવતીઓના ‘માયાજાળ’થી દુર રહેવા નિર્દેશ કરવામાં આવ્યો છે.IBએ ભારત સરકારને સતર્ક કરતાં જણાવ્યું છે કે, સુંદર યુવતીઓ અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવી દેશની સુરક્ષા અંગેની માહિતી મેળવવા પ્રયાસ કરે છે. મહત્વનું છે કે, IBનું આ એલર્ટ પાકિસ્તાન માટે જાસુસી કરી રહેલા ઈન્ડિયન એરફોર્સના અધિકારીની ધરપકડ બાદ કરવામાં આવ્યું છે.

ગત રોજ દિલ્હી પોલીસે એરફોર્સના અધિકારી અરુણ મારવાહની ધરપકડ કરી હતી જેના પર ખાનગી માહિતી ISIને આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલના પોલીસ અધિકારી પ્રમોશ કુશવાહાએ આ માહિતીની પુષ્ટિ કરી હતી. IB અધિકારીએ જણાવ્યું કે, ચીન અને પાકિસ્તાનની સુંદર યુવતીઓ ભારતીય અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવવા અને તેમની પાસેથી ખાનગી માહિતી મેળવવા સતત પ્રયાસરત રહે છે. અરુણ મારવાહની ઘટના બાદ આ વાત સાબિત થઈ છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગત ચાર વર્ષોમાં ડિફેન્સ સાથે જોડાયેલા નિવૃત્ત અધિકારીઓ સહિત કુલ 13 અધિકારીઓની પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI માટે જાસુસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. IB અધિકારીઓએ જણાવ્યું કે, અરુણ મારવાહ પણ હનીટ્રેપનો શિકાર બન્યા હતા. ISI સાથે કામ કરીરહેલી એક મહિલાએ તેમને ફસાવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, અરુણ મારવાહ દિલ્હીના એરફોર્સ મુખ્યાલય પર ફરજ બજાવી રહ્યાં હતાં. જેમની થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક અજાણી મહિલા સાતે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બન્ને ફોનથી એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, અરુણ મારવાહ ફેસબુક અને વ્હોટ્સએપના માધ્યમથી ખાનગી માહિતીઓ દુશ્મનને પહોંચાડતા હતા.