ગૌતમ ગંભીર છે દિલ્હીના સૌથી શ્રીમંત લોકસભા ઉમેદવાર

નવી દિલ્હી – હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક માટે પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયેલા ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એમનું ચૂંટણી ઉમેદવારીપત્ર ભરી દીધું છે.

દિલ્હીમાં લોકસભાની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોમાં ગૌતમ ગંભીર સૌથી શ્રીમંત છે.

ગંભીરની વાર્ષિક આવક રૂ. 12 કરોડ છે.

ગંભીરે વર્ષ 2017-18 માટે સુપરત કરેલા ઈન્કમ ટેક્સ રિટર્ન્સમાં એમની આવક રૂ. 12 કરોડ 40 લાખ દર્શાવી છે.

દિલ્હી ઉત્તર-પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર અને ગાયક હંસરાજની વાર્ષિક આવક રૂ. 9.28 કરોડ છે. આ આંકડો પણ એમણે સુપરત કરેલા ઈન્કમ ટેક્સ રિટર્ન્સ પરથી જાણવા મળ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર રાજેશ લિલોટીયાએ એમની વાર્ષિક આવક રૂ. 26.34 લાખ દર્શાવી છે.

દિલ્હી દક્ષિણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અને બોક્સર વિજેન્દર સિંહે 2017-18 માટે એમની વાર્ષિક આવક રૂ. 45 લાખ દર્શાવી છે. પોતાની પાસે રૂ. 3.57 કરોડની જંગમ અને રૂ. 5.05 કરોડની જંગમ મિલકત હોવાની પણ એમણે જાહેરાત કરી છે.

દિલ્હી દક્ષિણમાં ભાજપના વર્તમાન સાંસદ અને ઉમેદવાર રમેશ બિધુરીએ કહ્યું છે કે એમની પાસે કુલ રૂ. 18 કરોડની સંપત્તિ છે. પાંચ વર્ષમાં એમની સંપત્તિમાં રૂ. 3.5 કરોડનો વધારો થયો છે.

દિલ્હી ઉત્તર-પૂર્વ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અને દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે એમની અંગત સંપત્તિની કિંમત રૂ. 4.92 કરોડ જણાવી છે. આ 81 વર્ષનાં નેતાની વાર્ષિક કરપાત્ર આવક રૂ. 15 લાખ હતી. નિઝામુદ્દીન વિસ્તારમાં એમનો એક ફ્લેટ છે, જેની માર્કેટ વેલ્યુ આશરે રૂ. 1.88 કરોડ છે.

કોંગ્રેસના એક અન્ય નેતા અને નવી દિલ્હીના ઉમેદવાર અજય માકને એમની વાર્ષિક આવક રૂ. 26.38 લાખ દર્શાવી છે.