ટોલ કર્મીઓને નિર્દેશ: સેનાના વાહનને સેલ્યૂટ કરીને સન્માન આપો

બરેલી- બરેલી અને મુરાદાબાદ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ-24ના બે ટોલ બૂથ પર કાર્યરત કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ ત્યાંથી પસાર થતા સૈનિકોના વાહનને સલામી અપી તેમનું સન્માન કરે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સેનાના જવાનો અને ગાડીના ડ્રાઈવરોને પાણી અથવા અન્ય કોઈ મદદની જરુર હોય તો તે અંગે પણ જરુરી મદદ કરવા જણાવવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે, આ ટોલ પ્લાઝાની દેખરેખ મુરાદાબાદ-બરેલી એક્સપ્રેસ વે લિમિટેડ (MBEL) દ્વારા કરવામાં આવે છે. MBELના જનરલ મેનેજર વૈભવ શર્માએ જણાવ્યું છે કે, તેમણે આ પ્રકારની શરુઆત સેનાના જવાનોને સન્માન આપવા માટે કરી છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (NHAI) સૂત્રોના જણાવ્યા મુજબ સેનાના જવાનોએ ફરિયાદ કરી હતી કે, ટોલ કાર્મચારીઓ માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના આદેશોનું પાલન કરતા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી પણ ફરિયાદ કરવામાં આવી હતી કે, સરકારી વાહન લઈ જવામાં પણ સેનાના જવાનોને ટોલ ટેક્ષમાં જરુરી છૂટ આપવામાં આવતી નથી.

NHAIના જનરલ મેનેજર શૈલેષ યાદવે તાજેતરમાં જ એક પત્ર દ્વારા જાણ કરી હતી કે, સેનાના જવાનો દ્વારા તેમનું આઈ.ડી. કાર્ડ બતાવવા છતાં ટોલ ટેક્ષમાં રાહત આપવામાં નથી આવતી. અને તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે જેને સહન કરવામાં નહીં આવે.

MBELના જનરલ મેનેજર વૈભવ શર્માએ જણાવ્યું છે કે, ‘સેનાના જવાનોને સૌથી વધુ આદર આપવો જોઈએ. અમે ટોલ ગેટ પર કાર્યરત તમામ કર્મચારીઓને નિર્દેશ આપ્યો છે કે, આર્મીના વાહનના આગમન પર ટોલ કર્મચારીઓએ ઉભી થઈ તેમને સેલ્યૂટ કરીને જવાનોનું સન્માન કરવું’.