ગાંધીજીને જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિઃ મોદીએ લીધી રાષ્ટ્રની આગેવાની

નવી દિલ્હી – ભારત દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની આગેવાની લીધી છે. સવારે એમણે અત્રે રાજઘાટ સ્મારક ખાતે જઈને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વડા પ્રધાન મોદીએ આ રીતે ટ્વીટ કરીને પણ ગાંધીજી પ્રત્યે પોતાનો આદર અને માનની લાગણી વ્યક્ત કરી હતી.

રાજઘાટ ખાતે વડા પ્રધાન થોડોક સમય રહ્યા હતા જ્યાં સર્વધર્મ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બાદમાં, રાષ્ટ્રપતિ રામનાથ સોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડા, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પણ રાજઘાટ ખાતે જઈને રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપ પ્રમુખ અમિત શાહે ટ્વીટ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી છે. એમણે કહ્યું કે, ‘મહાત્મા ગાંધીજી એવા મહામાનવ હતા જેમના દર્શન અને વિચાર આજે પણ એટલા જ શાશ્વત અને અટલ છે. પૂજ્ય બાપુના વિચારો અને આદર્શોથી દરેક વ્યક્તિમાં એક નવી ઊર્જા અને પ્રેરણાનો સંચાર થાય છે. સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ દાખવનાર મહાત્મા ગાંધીજીને 150મી જન્મજયંતી નિમિત્તે નમન.’

દેશે લાલબહાદુર શાસ્ત્રીજીને પણ યાદ કર્યા

ભારત દેશ આજે દ્વિતીય તથા ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીની 115મી જન્મજયંતી પણ ઉજવી રહ્યો છે. દિલ્હીમાં, એમના સ્મારક વિજય ઘાટ ખાતે જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શાસ્ત્રીજીને યાદ કરીને પીએમ મોદીએ આ ટ્વીટ કર્યું છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

સોનિયા ગાંધી અને મનમોહન સિંહે પણ વિજય ઘાટ ખાતે જઈને શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

લાલબહાદુર શાસ્ત્રીજીના પુત્ર અનિલ શાસ્ત્રીએ પણ વિજય ઘાટ જઈને એમના સદ્દગત પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]