માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિજનોની ભવિષ્યની સંભાવનાઓને આધારે ચુકવણી કરવામાં આવશે: SC

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે, માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનોને ભવિષ્યની સંભાવનાઓને આધારે ચુકવણી કરવામાં આવશે નહીં કે વર્તમાન આવકના આધારે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 સદસ્યની સંવૈધાનિક બેંચે આ ચુકાદો સંભળાવ્યો હતો.

ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ.કે. સિકરી, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું કે, મૃતકનો ભવિષ્યની જવાબદારીઓ અંગે પણ વિચાર કરવો જોઈએ. ચુકવણીની રકમ નક્કી કરતા સમયે એ જોવું જોઈએ કે, મૃતક નોકરી કરે છે અથવા તેનો પોતાનો વ્યવસાય છે.

ભવિષ્યની સંભાવનાઓ જોતાં જો મૃતક નોકરી કરતો હોય તો તેને વળતર રુપે પગારના 50 ટકા રકમ ભવિષ્યની આવકના આધારે મળવી જોઈએ. અને જો મૃતકને પોતાનો વ્યવસાય છે તો તેને 40 ટકા રકમ વળતર રુપે મળવી જરુરી છે. અલગ અલગ ઉંમરના વ્યક્તિ માટે વળતરની મર્યાદા અલગ અલગ નક્કી કરવામાં આવી છે. જો મૃતક 40થી 50 વર્ષની વયજૂથનો હોય તો તેની માટે વળતરની મર્યાદા 30 ટકા અને 50થી 60 વર્ષની વયજૂથ માટે વળતરની મર્યાદા 15 ટકા સુધી રાખવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, પાંચ જજોની સંવૈધાનિક બેંચે આ ચુકાદો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ નેશનલ ઈન્શ્યોરન્સ કંપનીની અરજી સહિત અન્ય 27 અરજીઓ પર સુનાવણી કરવા દરમિયાન આ ચુકાદો આપ્યો હતો.