રાહુલને યાત્રાની સલાહ સાથે કહ્યું કે કોંગ્રેસને અમિત શાહ જેવા નેતાની જરુર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆત બાદ દેશની સૌથી જૂની પાર્ટી પર હવે સંકટના વાદળો ઘેરાયા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 52 સીટો પર સમેટાઈ ગઈ છે. પોતાના ઈતિહાસના સૌથી ખરાબ દોરમાથી પસાર થઈ રહેલી કોંગ્રેસ પર ક્યારેક ગાંધી પરિવારના નજીક રહેલા અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન નટવરસિંહનું માનવું છે કે આજે કોંગ્રેસને અમિત શાહ જેવા મજબૂત નેતાની જરુર છે, જે હોઈ ન શકે.

અમેઠી અને બીજી ઘણી સીટો પર કોંગ્રેસની હાર પર પૂર્વ કેન્દ્રીયપ્રધાને કહ્યું કે, રાહુલ ગાંધીએ હાર બાદ થયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કેટલાક મોટા કોંગ્રેસી નેતાઓના નામ લીધાં હતાં. આ નેતાઓએ પોતાના બાળકોને ટિકીટ અપાવવા માટે ખૂબ જોર લગાવ્યું. જ્યારે પાર્ટી અધ્યક્ષે સ્પષ્ટ કહી દીધું છે તો તેઓ સીએમ તરીકે હજી સુધી પદ પર કેમ બેઠેલાં છે? આ લોકોએ પોતે જ રાજીનામું આપી દેવું જોઈએ.

રાહુલ ગાંધીના પાર્ટી પદ છોડવાની રજૂઆત મામલે તેમણે કહ્યું કે, જો તેઓ પાર્ટી છોડી દેશે તો પછી તેમનું અધ્યક્ષ પદ કોણ સંભાળશે? તેમણે કહ્યું કે બહેન પ્રિયંકા અને માં સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ ન બને. તેમણે કહ્યું કે આ ત્રણેય સિવાય પાર્ટીનું અધ્યક્ષ પદ કોણ સંભાળશે. એટલા માટે રાહુલ ગાંધીએ રાજીનામું ન આપવું જોઈએ. તેમણે થોડા દિવસ ક્યાંક પ્રવાસ કરી આવવો જોઈએ. જો કે એક સપ્તાહની અંદર નવા અધ્યક્ષને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

યૂપીમાં સપા-બસપા સાથે ગઠબંધનના સવાલ પર પૂર્વ કેન્દ્રીયપ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસને યૂપી અને દિલ્હીમાં ગઠબંધન કરવું જોઈતું હતું. આવું કરવા પર પાર્ટીના વોટ શેર વધી જાત. તેમણે ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીના આવવા મામલે પણ પ્રશ્નો કર્યા. સિંહે કહ્યું કે જો હું હોત તો પ્રિયંકા ગાંધીને બે વર્ષ પહેલાં જ પાર્ટીમાં આવવાની સલાહ આપત. તેઓ છેલ્લા ત્રણ મહિનામાં શું કરી શકે? તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આપણા લોકતંત્રને માટે એક મજબૂત કોંગ્રેસ જોઈએ.

મીડિયા સાથે વાતચીતમાં નટવરસિંહે એ પણ કહ્યું કે સમયની સાથે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ ઓછા અને નેતાઓ વધારે થઈ ગયાં છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ઉપસ્થિત 50 વર્ષથી ઉપરના તમામ લોકોને સાઈડ લાઈન કરવાની જરુર છે. આવા નેતાઓને કહેવું જોઈએ કે તેઓ પોતાના ઘરે જાય, કોંગ્રેસમાં યુવાનોની કમી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]