સુષ્મા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલીન, PM સહિત તમામ પક્ષના નેતા રહ્યાં હાજર

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે ગઈ રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે ઢળતી બપોરે દિલ્હીના લોધી રોડ શબદાહગૃહમાં પૂર્ણ કરવામાં આવ્યાં છે.તેમના અંતિમસંસ્કાર સમયે પીએમ મોદી સહિત પ્રધાનો અને ભાજપના લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પહેલાં  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, સોનિયા ગાંધી, લાલ કૃષ્ણ અડવાણી સહિત દેશ-દુનિયાની હસ્તીઓએ તેમના આવાસ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સુષ્મા સ્વરાજનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે. લોધી રોડ પર આવેલા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થયા.પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

સુષ્મા સ્વરાજની અંતિમવિધિઓ તેમની દીકરી બાંસુરીએ પૂરી કરી હતી. સુષ્મા સ્વરાજનો દેહ તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે પરંતુ તેમણે કરેલા કાર્યો, તેમનું વ્યક્તિત્વ, તેમનો સ્વભાવ, લાગણીશીલતા આ પ્રકારના તેમના અદભૂત વ્યક્તિત્વના લક્ષણોથી તેઓ લોકોને હંમેશા યાદ રહેશે.સુષ્મા સ્વરાજના નિધનને લઇને તેમના હોમસ્ટેટ હરિયાણામાં બે દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.