પુલવામા હુમલો: તપાસ એજન્સીઓને પુરાવા શોધવામાં મળી સફળતા

નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરના પુલવામામાં ગત 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ તપાસ એજન્સીઓના હાથ પ્રથમ પુરાવો શોધવામાં સફળતા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જે વિસ્ફોટક ભરેલી કાર દ્વારા સીઆરપીએફની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો, તે કારની માહિતી તપાસ એજન્સીઓને હાથ લાગી છે. આ મામલે તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શુક્રવારે ઘટનાસ્થળ પર પહોંચીને કારના ટુકડાને એકત્રિત કર્યા હતાં. ત્યાર બાદ કારના ટુકડાઓના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે આ 2010 11ના વર્ષની મારુતિ ઈકો કાર હતી. આ કારને થોડા સમય પહેલાં જ ફરી વખત પેઈન્ટ કરવામાં આવી હતી.

શુક્રવારે એનઆઈએના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવાની સાથે કેટલાક સેમ્પલ પણ એકત્ર કર્યા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ એકલો વિશાળ હતો કે, કારના ટુકડા 15- 20 મીટર દૂર સુધી ફેલાયા હતાં.

આ ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર સીઆરપીએફની બસને ટક્કર મારનારી કાર લાલ રંગની હતી. ઘટના સ્થળેથી મળેલા કારના સોકરના ટુકડા પરથી એ જાણકારી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, કાર ક્યારે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તપાસકર્તાઓને 20- 25 લીટરનું એક જેરીકન હાથ લાગ્યું છે. જેમાં અંદાજે 30 કિલોગ્રામ આરડીએક્સ ભરીને રાખવામાં આવ્યું હતું.

તપાસ એજન્સીઓ કાર અંગેની વધુ માહિતી એકત્ર કરવા માટે કશ્મીર અને અન્ય રાજ્યોમાંથી ચોરાયેલી કારની એફઆઈઆર ડેટા તપાસી રહી છે. જો કાર ચોરી કરેલી નહીં હોય તો, કારના માલિક સુધી પહોંચવામાં જલ્દી સફળતા મળશે. આ ઉપરાંત જમ્મુ કશ્મીર પોલીસ અને એનઆઈએ બંને મળીને જેશ એ મોહમ્મદના કેટલાક ગ્રાઉન્ડ વર્કર્સની પણ પૂછપરછ કરી રહી છે.