બજેટ પહેલાં બેંકોના પ્રમુખોને મળશે નાણાંપ્રધાન પીયૂષ ગોયલ, થશે મહત્વપૂર્ણ ચર્ચાઓ

નવી દિલ્હીઃ નાણાંપ્રધાન પીયૂષ ગોયલ આજે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના પ્રમુખોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે બેઠક કરશે. બજેટ પહેલાં થનારી આ બેઠકમાં બેંકિંગ ક્ષેત્રની સમીક્ષા અને સરકારી બેંકોની સ્થિતિને સારી બનાવવાના સંબંધમાં ચર્ચા થઈ શકે છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે એવામાં આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ વર્તમાન સરકારનું અંતિમ બજેટ હશે ત્યાર બાદ એપ્રિલ-મે માં ચૂંટણી યોજાવાની છે જેથી આ બેઠકમાં બેંકોની નાણાકીય સ્થિતિ ઠીક કરવાના સંબંધમાં સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

આ બેઠકમાં ભારતીય રિઝર્વ બેંકના નવનિયુક્ત ગવર્નર શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહી શકે છે. મૌદ્રિક નીતિ સમિતિની સાત ફેબ્રુઆરીના રોજ બેઠક થશે. ગવર્નર દાસ માટે સમિતિની આ પ્રથમ બેઠક હશે. તો નાણા પ્રધાન અરુણ જેટલીના અમેરિકામાં ચાલી રહેલી સારવારને લઈને પીયૂષ ગોયલને નાણા મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. એટલે કે આ બેઠક પીયૂષ ગોયલ માટે પણ મહત્વપૂર્ણ છે. બેઠકમાં બેંકોના ફસાયેલા નાણાની સ્થિતી અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે.

આ બેઠકમાં સરકારની નવી જન કલ્યાણ યોજનાઓના અનુપાલનની સમીક્ષા પણ થશે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગ, કૃષી અને રીટેલ ક્ષેત્રમાં લોન વહેંચવાની સ્થિતી મામલે પણ ચર્ચા થશે. આ સીવાય બેંકોના ડિસેમ્બર 2018 સુધીના નવ માસના પ્રદર્શનની પણ સમીક્ષા આ બેઠકમાં થશે.