ખેડૂતોના સમર્થનમાં રાષ્ટ્રપતિ-ભવન ખાતે રાહુલ ગાંધીની કૂચ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા સામેના વિરોધમાં ગઈ 26મી નવેમ્બરથી દિલ્હીના હદ વિસ્તારમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સવારે કૂચ કાઢવાના છે. આ કૂચ તેઓ સવારે 10.45 વાગ્યે નવી દિલ્હીમાં વિજય ચોકથી શરૂ કરી રાષ્ટ્રપતિ ભવન ખાતે લઈ જશે અને 11 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી એમને એક આવેદનપત્ર આપશે. આવેદનપત્રમાં બે કરોડ લોકોની સહી કરાઈ છે અને એમાં રાષ્ટ્રપતિને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ખેડૂત આંદોલન મામલે હસ્તક્ષેપ-મધ્યસ્થી કરે.

કોંગ્રેસની કૂચમાં કોંગ્રેસના અનેક સંસદસભ્યો તથા વરિષ્ઠ નેતાઓ જોડાશે. ખેડૂતોના સંગઠનોએ ગઈ કાલે એમની બેઠકમાં પુનરોચ્ચાર કર્યો હતો કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓ રદ કરે એ પછી જ એની સાથે મંત્રણા શરૂ કરી શકાશે. તેમણે એવી માગણી પણ કરી છે કે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધે એવી રીતે સરકારે ઉત્પાદન ખર્ચમાં ફેરફાર કરવો જોઈએ.