પુણેઃ જુદા જુદા રોગોની રસીઓ સહિત રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓ બનાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપનીને આશા છે કે તેણે બ્રિટનસ્થિત ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વિડીશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં બનાવેલી કોરોના વાઈરસની રસી (કોવિશીલ્ડ)ને ભારત સરકાર આગામી દિવસોમાં જ મંજૂરી (તાકીદના વપરાશ માટેની સત્તા) આપી દેશે. આ કંપની જેની માલિકીની છે તે પૂનાવાલા ગ્રુપના ચેરમેન સાઈરસ પૂનાવાલાએ એક મુલાકાતમાં કહ્યું કે અમને આશા છે કે ભારત સરકાર આગામી દિવસોમાં જ અમે નિર્માણ કરેલી કોવિશીલ્ડ રસીનને ભારત સરકાર રેગ્યુલેટરી મંજૂરી આપી દેશે. ઉલ્લેખનીય છે કે, સાઈરસ પૂનાવાલા ભારતના ‘વેક્સિન કિંગ’ તરીકે જાણીતા છે. જોકે સરકારે હજી સુધી રસી ખરીદવાનો કોઈ ઓર્ડર આપ્યો નથી, એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે.
કોવિશીલ્ડ રસીની રૂપરેખા ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઘડી છે અને તેનું નિર્માણ એસ્ટ્રાઝેનેકાએ કર્યું છે. ભારતમાં આ રસી બનાવવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે સહયોગ કરાયો છે. આ રસીને આજે બ્રિટનની સરકારે મંજૂરી આપી દીધી છે. બ્રિટનની નિષ્પક્ષ રેગ્યૂલેટર, મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યૂલેટરી એજન્સીએ માનવ વપરાશ માટે કોવિશીલ્ડ રસીને મંજૂરી આપી દીધી છે. આનો મતલબ એ થયો કે આ રસી સુરક્ષિત અને અસરકાર, બંને છે.