ભારત-પાક તણાવ વચ્ચે પણ લોકસભા ચૂંટણી નિર્ધારીત સમય પર જ યોજાશે: ચૂંટણી પંચ

નવી દિલ્હી- ભારત-પાકના વર્તમાન સંબધોને લઈને લોકસભાની ચૂંટણીને અંગે દેશમાં ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ આજે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણી તેમના નિર્ધારિત સમય પર જ યોજાશે. અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે આગામી લોકસભા ચૂંટણી સ્વતંત્ર,નિષ્પક્ષ અને પારદર્શીપૂર્ણ રીતે યોજવાનો સંકલ્પ વ્યક્ત કરતા કહ્યું કે, ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનું કડક રીતે પાલન કરવામાં આવશે, અને કોઈ પણ ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં અરોરાએ કહ્યું કે, ચૂંટણી પંચ સાથેની બેઠકમાં રાજકીય દળોએ જાતિય, સાંપ્રદાયિક ભાષણો પર પ્રતિબંધ લગાવવો, ચૂંટણી દરમિયાન કેન્દ્રીય દળોને તહેનાત કરવા, મતદાર યાદીમાં ભૂલો સુધારવી, મતદાર યાદીને આધાર સાથે લિન્ક અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાનની ગોપનીયતા સુનિશ્ચિત કરવા સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યાં હતાં.

વધુમાં જણાવ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર દેશમાં સી-વિજિલ મોબાઈલ એપ્લિકેશન જાહેર કરવામાં આવશે, જેના પર કોઈ પણ નાગરિક ચૂંટણી સંબંધિત ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ કર્તાનું નામ ગુપ્ત રાખવાનો પણ વિકલ્પ આપવામાં આવશે. આયોગ દ્વારા ફરિયાદો પર કરેલી કાર્યવાહીને પોતાના ખર્ચે સમાચારપત્રોમાં છપાવશે. સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે આયોગની સમિતિઓમાં એક-એક સોશિયલ મીડિયા નિષ્ણાંતને પણ તૈનાત કરવામાં આવશે.

અરોરાએ કહ્યું કે, આ વખતે પ્રદેશના તમામ 1,63,331 મતદાન કેન્દ્રો પર ઈવીએમ મશીનો સાથે સાથે વીવીપેટનો પણ પ્રયોગ કરવામાં આવશે. વીવીપેટ મશીનના ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવા માટે શરુ કરેલી ઝૂંબેશને બુથ સ્તર સુધી લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આગામી લોકસભા ચૂંટણીમાં ફોર્મ 26માં આપેલા શપથપત્રમાં ઉમેદવારોએ હવેથી તેમની પત્ની અથવા પતિ, આશ્રિત પુત્ર, પુત્રી અને એચયુએફ (અવિભાજિત હિંદૂ પરિવાર)ના પાંચ વર્ષની આવકની માહિતી આપવી પડશે.  નવી અધિસૂચના અનુસાર હવે ઉમેદવારોને દેશમાં સ્થિત તેમની સંપત્તિઓની સાથે સાથે વિદેશમાં રહેલી વર્તમાન સંપત્તિ અગે માહિતી આપવી પણ ફરજિયાત છે.

આયોગે અધિકારીઓ પાસેથી દિવ્યાંગો મતદારોની વાસ્તવિક સંખ્યા અંગે જાણકારી માગી છે. આ મતદાતાઓને મતદાન કરવામાં સરળતા રહે તે માટે જરૂરી સુવિધાઓની સમિક્ષા કરવા માટે ઓફિસરોને કહેવામાં આવ્યું છે.