‘કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતીશે, રાહુલ વડા પ્રધાન બનશે’: પ્રિયંકા ગાંધીનો આશાવાદ

અમેઠી (ઉત્તર પ્રદેશ) – કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે અહીં પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે આપણી પાર્ટી આ વખતની લોકસભા ચૂંટણી જીતશે. પ્રિયંકાએ વધુમાં ઉમેર્યું કે 2022માં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર રચાાય એ માટે પૂરા પ્રયાસો કરવાની પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ એમને કામગીરી સોંપી છે. તેથી પોતે હાલ ‘મિશન યૂપી’ માટે પણ કામ કરી રહ્યાં છે.

લોકસભા ચૂંટણી માટે પાર્ટીના એકદમ નિચલા સ્તરનાં કાર્યકર્તાઓને પણ કામગીરી બજાવવા માટે ઉત્સાહિત કરવા માટે પ્રિયંકા અમેઠી અને રાયબરેલી શહેરોની બે-દિવસીય મુલાકાતે આવ્યાં છે.

કોંગ્રેસનાં એક કાર્યકર્તાએ પ્રિયંકાને એવું કહેતાં ટાંક્યા હતાં કે, આપણે આ (2019)ની ચૂંટણી જીતીશું અને રાહુલ વડા પ્રધાન બનશે. રાહુલે મને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની હવે પછીની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવે એ માટેની કામગીરી સોંપી છે. હું એ કામ પાર પાડવા માટે મહેનત કરીશ.

પ્રિયંકાએ એમ પણ કહ્યું કે મારાં પિતા ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ એમની મુદત દરમિયાન હાથ ધરેલી તમામ વિકાસલક્ષી યોજનાને પુનઃ શરૂ કરીશું. એમની (ભાજપની) સરકારે મેગા ફૂડ પાર્ક, પેપર મિલ અને આઈઆઈટી જેવી અનેક મોટી યોજનાઓને અટકાવી દીધી હતી.

પ્રિયંગાએ ઘણા કાર્યકર્તાઓ સાથે જૂથવાર વાતચીત કરી હતી.

અમેઠી રાહુલ ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે જ્યારે રાયબરેલી પ્રિયંકાનાં માતા અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે.

રાયબરેલીથી પ્રિયંકા અયોધ્યા જશે અને ત્યાં ફૈઝાબાદ લોકસભા મતવિસ્તારમાં પક્ષનો પ્રચાર કરશે.

શું તમે ચૂંટણી લડશો? એવા એક સવાલના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે મારી પાર્ટી જો મને કહેશે તો હું જરૂર ચૂંટણી લડીશ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]