ચૂંટણી પંચનો મોટો, કડક નિર્ણયઃ બંગાળમાં રાજકીય પક્ષોના ચૂંટણીપ્રચાર પર કાપ મૂકી દીધો

નવી દિલ્હી – ચૂંટણી પંચે આજે એક અભૂતપૂર્વ મોટો નિર્ણય લઈને પશ્ચિમ બંગાળ રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે ચૂંટણી રેલી, સભાઓ અને રોડ શો યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ 9 સંસદીય મતવિસ્તારોમાં લાગુ રહેશે. આવતીકાલે રાતે 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે અને તે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી લાગુ રહેશે.

કોઈ પણ રાજકીય પક્ષ આ પ્રતિબંધને કારણે ચૂંટણી સભાઓ કે રોડ શો યોજી નહીં શકે.  આ 9 સંસદીય મતવિસ્તારો છેઃ ડમડમ, બારાસાત, બસીરહાટ, જયનગર, મથુરાપુર, જાધવપુર, ડાયમંડ હાર્બર, દક્ષિણ અને ઉત્તર કોલકાતા. આ સંસદીય મતવિસ્તારોમાં 19 મેએ મતદાન થવાનું છે.

ચૂંટણી પંચે આજે અહીં પત્રકાર પરિષદ બોલાવીને પોતાના નિર્ણયની જાહેરાત કરી છે.

ગઈ કાલે કોલકાતામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહના રોડ શો વખતે થયેલી ભારે હિંસાની ઘટનાઓની નોંધ લઈને ચૂંટણી પંચે આ પ્રતિબંધ મૂક્યો છે.

19 મેના મતદાન સાથે જ સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂરી થશે.

ચૂંટણી પ્રચારની મર્યાદા પૂરી થવાના 20 કલાક પહેલા ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.

ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ 16 મેએ રાતે 10 વાગ્યા પછી વર્તમાન ચૂંટણી સંબંધિત કોઈ પણ જાહેર સભા યોજી નહીં શકે.

ચૂંટણી પંચે આ પહેલી જ વાર બંધારણની કલમ 324નો ઉપયોગ કર્યો છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે કોલકાતાની શેરીઓમાં મંગળવારે જે હિંસાની ઘટનાઓ થઈ અને વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરાઈ એને કારણે તેને ખૂબ જ નિરાશા ઉપજી છે.

ચૂંટણી પંચે બંગાળમાં અનેક મોટા અધિકારીઓને સેવામાંથી દૂર કરી દીધા છે. તેણે મમતા બેનરજીની સરકારનાં ગૃહ સચિવ અત્રી ભટ્ટાચાર્યને અને એડિશનલ ડાયરેક્ટર જનરલ (સીઆઈડી) રાજીવ કુમારને હટાવી દીધા છે.