તાજમહેલની જાળવણી મુદ્દે કેન્દ્ર, ઉ.પ્ર. સરકારની સુપ્રીમ કોર્ટે સખત ઝાટકણી કાઢી

નવી દિલ્હી – વિશ્વપ્રસિદ્ધ સ્મારક અને વિશ્વની સાત અજાયબીઓમાંના એક, એવા આગરાના તાજમહેલની થઈ ગયેલી ખરાબ હાલતના મામલે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની આકરી રીતે ઝાટકણી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટે સરકારોને કહ્યું, કાં તો તમે તાજમહેલને બરાબર સંભાળો અથવા તોડી પાડો, નહીં તો અમે એને બંધ કરાવી દઈશું. તાજમહેલની જાળવણી માટે સરકારો યોગ્ય પગલાં લેતી નથી.

ન્યાયમૂર્તિઓ મદન બી. લોકુર અને દીપકની બનેલી બેન્ચે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે એના આદેશોનું પાલન કરવામાં આવતું નથી. તાજમહેલના રક્ષણ માટે વિઝન ડોક્યૂમેન્ટ આપવા કહ્યું હોવા છતાં એ હજી સુધી સુપરત ન કરવા બદલ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે.

ન્યાયાધીશોએ કહ્યું કે, તાજમહેલનું રક્ષણ કરવાની કોઈ ઈચ્છાશક્તિ હોય એવું લાગતું જ નથી. તાજમહેલનું રક્ષણ થવું જ જોઈએ. કાં તો તમે એને બરાબર રીતે સંભાળો, અથવા નાશ કરી દો નહીં તો અમે એને બંધ કરાવી દઈશું.

ન્યાયાધીશોએ કહ્યું કે તાજમહેલ પેરિસના એફિલ ટાવર કરતાંય વધારે સુંદર છે. એનાથી દેશની ફોરેન એક્સચેન્જની સમસ્યા પણ ઉકેલી શકાય એમ છે. કોઈ ટીવી ટાવર જેવા દેખાતા એફિલ ટાવરને જોવા માટે 8 કરોડ લોકો જાય છે. આપણો તાજ એનાથી વધારે સુંદર છે. જો તમે એની બરાબર સાચવણી કરો તો એ આપણા દેશની વિદેશી હુંડિયામણની સમસ્યા ઉકેલી શકે એમ છે. તમારી બેદરકારીને કારણે દેશને કેટલું બધું આર્થિક નુકસાન જાય છે એની તમને ખબર છે?

કોર્ટે તાજમહેલનું રક્ષણ કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે અને કેવા પગલાં લેવામાં આવશે એની વિગતો રજૂ કરવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે અને આ કેસમાં હવે પછીની સુનાવણી માટે 31 જુલાઈની તારીખ નક્કી કરી છે.