ભાજપના નેતૃત્વ પર કોંગ્રેસે 1800 કરોડની લાંચનો કર્યો આક્ષેપ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપના શીર્ષ નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ યેદ્દી ડાયરીઝનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે બીએસ યેદી યુરપ્પા કર્ણાટકમાં મુખ્યપ્રધાન રહ્યાં તે દરમિયાન બીજેપીના વરિષ્ઠ નેતાઓને લાંચ આપી હતી. તે નેતાઓમાં રાજનાથસિંહથી લઈને અરુણ જેટલી સુધીના નેતાઓના નામોનો સમાવેશ થાય છે. આરોપ છે કે બીજેપીના શીર્ષ નેતૃત્વને 1800 કરોડ રુપિયાની લાંચ આપવામાં આવી છે.

સૂરજેવાલાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ સત્ય છે કે અસત્ય? ડાયરીમાં બીએસ યેદિયુરપ્પાના હસ્તાક્ષર પણ હતા, જે વર્ષ 2017 થી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે છે. સૂરજેવાલાનો જવાબ આવ્યો કે આ પૂર્ણ રીતે બકવાસ છે. આવું કશું જ નથી. જો કે બીજેપીએ આ કથિત ડાયરીને લઈને સફાઈ આપતા કહ્યું કે તેના પર યેદીયુરપ્પાના હસ્તાક્ષર નથી.

તો યેદીયુરપ્પાએ આ મામલે પત્રકારો સાથે વાત કરી અને કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતાઓ પાસે વિચારોની ખૂબ કમી છે. અને આ જ કારણ છે કે તે લોકો મોદીજીની લોકપ્રિયતાથી ત્રસ્ત છે. તેઓ જંગ શરુ થયાં પહેલાં જ હારી ગયાં છે. આયકર અધિકારી પહેલાં જ સાબિત કરી ચૂક્યા છે કે આ દસ્તાવેજો ખોટા છે.