નીરવ મોદી ત્રણ દિવસમાં હાજર નહીં થાય તો થશે પ્રત્યાર્પણની કાર્યવાહી: ED

નવી દિલ્હી- પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં આરોપી નીરવ મોદી વિરુદ્ધ EDએ તેની પકડ વધુ મજબૂત કરી છે. EDએ નીરવ મોદીને ત્રીજું સમન મોકલાવ્યું છે. અને 26 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું છે. ED દ્વારા નીરવ મોદીને કડક સંદેશો આપવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, હવે જો નીરવ મોદી સમનની અવગણના કરશે તો ભારતીય એજન્સીઓ તેના પ્રત્યાર્પણની કાર્યવાહી શરુ કરશે.ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીએ ભારતની બહાર અનેક દેશોમાં પોતાના રુપિયા ટ્રાન્સફર કર્યાં છે. આપને જણાવી દઈએ કે, ED દ્વારા નીરવ મોદીને આ ત્રીજું સમન જારી કરવામાં આવ્યું છે. આ પહેલા જારી કરવામાં આવેલા બે સમન દરમિયાન નીરવ મોદીએ હાજર થવાની સ્પષ્ટ ના પાડી હતી.

ED દ્વારા ગતરોજ જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, નીરવ મોદીને અગાઉ બે વાર સમન મોકલવામાં આવ્યાં હતાં. અમને આશા હતી કે, તે 22 ફેબ્રુઆરીએ ED સમક્ષ હાજર થશે, પરંતુ તે હાજર થયો નહીં. નીરવ મોદીએ ઈમેલ કરીને ED સમક્ષ હાજર થવાનો ઈનકાર કર્યો હતો. EDને મોકલાવેલા જવાબમાં નીરવ મોદીએ લખ્યું કે, ‘હાલમાં તે વિદેશમાં છે અને વ્યસ્ત છે તેથી ED સામે હાજર થઈ શકશે નહીં’.

હીરા ઉદ્યોગના વેપારી નીરવ મોદી ઉપર પંજાબ નેશનલ બેન્ક સાથે રુપિયા 11 હજાર 400 કરોડથી વધુ રકમની ઉચાપત કરવાનો આરોપ છે. નીરવ મોદીએ લેટર ઓફ અંડરટેકિંગનો (LoU) દુરુપયોગ કરીને બેન્ક પાસેથી લોન લીધી અને ચૂકવણી નહીં કરવાને કારણે દેશ છોડીને ભાગી ગયો.