ચૂંટણી EVM મશીનોથી જ યોજવામાં આવશેઃ વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાની સાફ વાત

નવી દિલ્હી – દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે ચૂંટણી પંચ બેલટ પેપર્સના જમાનામાં પાછું જવાનું નથી. અમે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVMs) અને VVPAT મશીનો દ્વારા જ આગામી ચૂંટણી કરાવીશું.

અરોરાએ એક કાર્યક્રમમાં એએનઆઈ સમાચાર સંસ્થાને એમ કહ્યું હતું કે હું દેશના વિપક્ષી નેતાઓને ચેતવણી આપું છું કે EVM મશીનોને પડતા મૂકી દેવાની તેઓ ચૂંટણી પંચને ફરજ પાડી શકશે નહીં.

અરોરાએ કહ્યું કે અમે બેલટ પેપર્સની પદ્ધતિમાં પાછા ફરવાના નથી. અમે EVM અને VVPATનો ઉપયોગ કરવાનું જ ચાલુ રાખીશું. રાજકીય પક્ષો સહિત કોઈ પણ સંબંધિત લોકો તરફથી કોઈ પણ પ્રકારની આલોચના અને ફીડબેક મળે એ માટે અમે તૈયાર છીએ. સાથોસાથ અમે કોઈની ધાકધમકી કે સખ્તાઈથી ડરીશું નહીં.  હું ચોખવટ કરી દેવા માગું છું કે અમે બેલટ પેપર્સના જમાનામાં પાછા ફરવાના નથી.

દરમિયાન, કહેવાતા સાઈબર એક્સપર્ટ સૈયદ શુજાએ 2014ની લોકસભા ચૂંટણીમાં ઈવીએમ મશીનોને હેક કરાયા હોવાના અને ચૂંટણી પરિણામમાં ગોલમાલ કરાઈ હોવાના કરેલા આક્ષેપોના સંદર્ભમાં ચૂંટણી પંચે નોંધાવેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ફોજદારી ધારાની કલમ 505 અંતર્ગત નોંધવામાં આવ્યો છે. એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું છે કે કાયદા અનુસાર પગલું ભરવામાં આવશે.

આ કલમ નોન-કોગ્નિઝેબલ છે એટલે તપાસ હાથ ધરવા માટે અમે કોર્ટ પાસે પરવાનગી માગી છે. આ કેસમાં કોઈક વિશેષ એજન્સી દ્વારા તપાસ કરાવાશે. આમાં ઊંડી તપાસની જરૂર છે.