ચૂંટણીપ્રચારમાં ભારતીય સૈનિકોની તસવીરોનો ઉપયોગ કરવો નહીંઃ ચૂંટણી પંચનો પક્ષોને આદેશ

0
1336

નવી દિલ્હી – લોકસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે દેશના તમામ રાજકીય પક્ષોને ચેતવણી આપી દીધી છે કે એમણે તેમના ચૂંટણીપ્રચારમાં ભારતીય સૈનિકોની તસવીરોનો ઉપયોગ કરવાનું ટાળવું.

ચૂંટણી પંચે આદેશ બહાર પાડીને રાજકીય પક્ષોને કહ્યું છે કે તેમણે એમના ચૂંટણીપ્રચારને લગતી સામગ્રીઓમાં ભારતીય સુરક્ષા જવાનો, ભારતીય સેના કે સુરક્ષા જવાનોની ઉપસ્થિતિવાળા સમારંભોની તસવીરોનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું.

ઘણા રાજકીય પક્ષો એમની રેલીઓમાં સૈનિકોની તસવીરોનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યા બાદ ચૂંટણી પંચે આ આદેશ આપ્યો છે.

રાજકીય પક્ષો અને નેતાઓએ એમની ચૂંટણીલક્ષી જાહેરાતો, જાહેરખબર કે અન્ય પ્રચારકાર્યની સામગ્રીઓમાં સુરક્ષા જવાનોની તસવીરો દર્શાવવી નહીં, એવું ચૂંટણી પંચે સાફ સાફ કહી દીધું છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે આ બાબતે સંરક્ષણ મંત્રાલય એનું ધ્યાન દોર્યું હતું. એણે કહ્યું હતું કે ઘણા રાજકીય પક્ષો, એમના નેતાઓ અને ઉમેદવારો એમના ચૂંટણીપ્રચારના ભાગરૂપે દેશના સુરક્ષા જવાનોની તસવીરો દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, એક રાજકીય પક્ષના નેતાઓને ભારતીય હવાઈ દળના પાઈલટ વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાન સાથે દર્શાવતી તસવીરોવાળા હોર્ડિંગ્સ સોશિયલ મિડિયા પર વાયરલ થયા છે.