કેન્દ્રીય કર્મચારીઓના કામકાજનો સમય વધી શકે છે….

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાની ઓફિસના કામકાજનો સમય વધારીને 9 કલાક કરે તેવી શક્યતાઓ છે. સરકારે ડ્રાફ્ટ વેજ કોડ રુલ્સ રજૂ કર્યું છે. જેમાં ઓફિસમાં કામકાજનો સમય 8 કલાકથી વધારીને 9 કલાકનો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જો કે સરકારે 7Th Pay Commission પર મૌન ધારણ કર્યું છે અને ડ્રાફ્ટમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ડ્રાફ્ટમાં મોટાભાગના જૂના જ નિયમો રાખવામાં આવ્યા છે અને ભૌગોલિક આધાર પર વેતનને ભવિષ્યમાં ત્રણ ભાગોમાં વહેંચવાની વાત કરવામાં આવી છે.

ડ્રાફ્ટના રુલ્સ અનુસાર કામકાજના સમયને વધારીને 9 કલાક કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે આને લઈને અસ્પષ્ટતા પણ છે. કારણ કે ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિનાની રીતે પ્રતિદિન કામકાજના 8 કલાકની 26 દિવસના આધાર પર ગણતરી કરવામાં આવશે. તો ન્યૂનતમ વેતન પર સરકાર તરફથી લેબર કોડ ઓન વેજેજની જેમ જ ડ્રાફ્ટ રુલ ઓન વેજેજમાં પણ ચુપ્પી સાધવામાં આવી છે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશેષજ્ઞોની કમીટી ભવિષ્યમાં આના પર પોતાનો વિચાર સરકારને આપશે.

આ વર્ષે જાન્યુઆરીમાં એક આંતરિક પેનલે કેન્દ્રીય શ્રમ મંત્રાલયને મોકલેલા પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારતમાં રાષ્ટ્રીય ન્યૂનતમ વેતન 375 રુપિયા પ્રતિદિન હોવું જોઈએ. આ પ્રકારે મહિનાનું વેતન 9,750 રુપિયા થશે. પેનલે પોતાના રિપોર્ટમાં 1430 રુપિયા હાઉસિંગ અલાઉન્સ પણ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ન્યૂનતમ વેતન પર કોઈ નિર્ણય લેવાશે, ત્યારે દેશને ત્રણ ભૌગૌલિક કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં મેટ્રોપોલિટન એરિયા, જેની જનસંખ્યા 40 લાખ અથવા તેનાથી વધારે, નોન મેટ્રોપોલિટન જેની જન સંખ્યા 10-40 લાખ અને ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થશે. તો ઘરનું ભાડુ ન્યૂનતમ વેતનના 10 ટકા જેટલું નક્કી થશે. જો કે એ સ્પષ્ટ નથી કે કેટેગરીના હિસાબથી આમાં કોઈ બદલાવ થશે કે નહી.

ડ્રાફ્ટમાં ફ્યૂઅલ વિજળી અને અન્ય ખર્ચોને ન્યૂનતમ વેતનના 20 ટકા જેટલા માનવામાં આવ્યા છે. સાથે જ ન્યૂનતમ વેતન નક્કી કરતા સમયે પ્રતિદિન 2700 કેલરી, 66 મીટર કપડાના ખર્ચને પણ શામિલ કરવામાં આવશે. વર્ષ 1957 માં જ્યારે પહેલીવાર ન્યૂનતમ વેતન નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે પણ આ માપદંડો ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.