‘ઢીંગલી’ની સારવારનો કીમિયો કરી ગયો કામ, સારવાર માટે દર્દી બની ઢીંગલી…

નવી દિલ્હી: દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં દાખલ એક બાળકીનો ફોટો આજકાલ ખૂબ જાણીતો બની રહ્યો છે. 11 મહિનાની ઝિક્રા મલિક તેની ઢીંગલી સાથે ફ્રેક્ચરવાળા પગે સૂતી છે. ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાળકીના બંને પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. તો આ બાળકીની બાજુમાં જ તેની ઢીંગલી પણ આ જ સ્થતિમાં સૂતેલી જોઈ શકાય છે. ઢીંગલીના પગમાં પણ પ્લાસ્ટ જોઈને તમને જરૂર આશ્ચર્ય થશે.

ઝિક્રાની ઢીંગલીનું નામ ‘પરી’ છે. 17 ઓગસ્ટે ઝિક્રા તેના ઘેર બેડ પરથી પડી ગઈ હતી અને તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી. ઝિક્રાને તેના પરિવારજનો તાબડતોડ હોસ્પિટલ લઈને આવ્યાં. ડોક્ટરોએ બાળકીના પગનું નિરીક્ષણ કરીને પ્લાસ્ટ કરવાનો નિર્ણય કર્યો પરતું હોસ્પિટલનો માહોલ જોઈને ઝિક્રા રોવા લાગી અને ડોક્ટર પાસે જવાની ના પાડી દીધી. ડોકટર્સ માટે તેમનો ઈલાજ કરવો મુશ્કેલ બની ગયો હતો. ઝિક્રાના પરિવારજનો જણાવ્યું કે, ઢીંગલી તેને સૌથી વધુ પ્રિય રમકડું છે આખો દિવસ તે ઢીંગલી સાથે રમતી હોય છે. ત્યારબાદ ડોકટર્સે પ્લાન કર્યો કે, ઢીંગલીના પગે પ્લાસ્ટ ચઢાવ્યાં બાદ બાળકીના પગે પ્લાસ્ટ કરવાનું નક્કી કર્યું.

ઝિક્રા ફ્રેક્ચરવાળા પગે એક જગ્યાએ સૂવા માટે રેડી નહોતી, ડોક્ટરે તેની ઢીંગલીના પગે પણ પાટો બાંધ્યો. આ જોઈને ઝિક્રા ઢીંગલી જોડે સૂવા તૈયાર થઈ ગઈ. ઢીંગલીને બાજુમાં જોઈને ઝિક્રા હવે બહાર જવાની જીદ કરતી નથી.

માતાએ ઢીંગલીના પગે પણ પ્લાસ્ટર કરવાની સલાહ આપી

ઝિક્રાની માતાએ કહ્યું કે, ઘરમાં મારી દીકરી આખો દિવસ આમ-તેમ ફર્યા કરે છે. તેને એક બેસાડી રાખવી મુશ્કેલ છે. તે 5 મિનિટ પણ એક જગ્યાએ બેસી શકતી નથી. હોસ્પિટલમાં પ્રથમ દિવસે જ તે હોસ્પિટલમાં બેડ પર સૂવા તૈયાર નહોતી. ડોક્ટરે અમને તેના પગ પ્રપોર અલાઇમેન્ટમાં રાખવા માટે કહ્યું હતું, પણ ઝિક્રા એક જગ્યાએ સુવા માટે તૈયાર જ નહોતી. ત્યારબાદ મેં મારા પતિને ઘરેથી ઝિક્રાની ફેવરિટ ઢીંગલી લાવવાનું કહ્યું અને તેને પણ ઝિક્રાની જેમ જ બેડ પર પગ પર પાટો બાંધીને સુવાડી. ઢીંગલીને બાજુમાં જોઈને હવે ઝિક્રા પણ બેડથી નીચે ઉતરતી નથી. ડોક્ટર પણ કોઈ દવા પહેલાં પરીને ખવડાવે છે પછી ઝિક્રાને ખવડાવે છે.

ઝિક્રા તેની ઢીંગલી ‘પરી’નો પણ ફ્રેક્ચરવાળો પગ જોઈને ખુશ થઈ ગઈ. ડોકટરે પણ પ્રથમવાર કોઈ ડોલની સારવાર કરી છે. તેમણે ડીંગલીના પગે પ્લાસ્ટર કર્યું છે. લોકનાયક હોસ્પિટલમાં 16 નંબરના બેડ પર એક ઢીંગલી અને ઝિક્રા બંને ફ્રેક્ચરવાળા પગે સૂતા છે. હોસ્પિટલમાં હાજર બધા લોકો આ ‘ગુડિયાવાલી બચ્ચી’ને જોવા માટે આવી રહ્યા છે. આવનારા એક અઠવાડિયાં સુધી ઝિક્રાને પરી સાથે હોસ્પિટલમાં જ રહેવું પડશે.