19 રુપિયા સસ્તું થઈ શકે છે પેટ્રોલ, દિગ્વિજયસિંહે જણાવી ફોર્મ્યૂલા

નવી દિલ્હી- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે ઈંધણની વધી રહેલી કીમતો પર કાબૂ મેળવવા ઉપાય જણાવ્યો છે. દિગ્વિજયસિંહે જણાવ્યું કે, જો સરકાર સેન્ટ્રલ એક્સાઈઝ ટેક્સ ઘટાડે તો ઈંધણની કીમતમાં 19 રુપિયા સુધીનો ઘટાડો શક્ય છે.દિગ્વિજયસિંહે કહ્યું કે, ભાજપ સરકારે ચાર વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપર સરેરાશ બસો ટકા સેન્ટ્રલ એક્સાઈઝ ટેક્સનો વધારો કર્યો છે. ભાજપે ડીઝલ પર 440 ટકાના દરે ટેક્સમાં વધારો કર્યો છે. જ્યારે કાચા તેલની કિંમતમાં 73 ટકાનો ઘટાડો થયો હતો. તેમ છતાં ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે મોદી સરકાર પર આક્ષેપ કર્યો કે, કેન્દ્ર સરકારે 10 લાખ કરોડ રુપિયાની રકમ એકત્રિત કરી છે. સરકારે તેના કાર્યકાળ દરમિયાન 12 વખત સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે દિગ્વિજયસિંહને કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર વેટ ઘટાડે તો ઈંધણની કિંમતમાં ઘટાડો થશે. જેના જવાબમાં દિગ્વિજયસિંહે જણાવ્યું કે, જો મોદી સરકાર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી અને વેટ ઓછા કરે તો પેટ્રોલની કિંમત 19 રુપિયા સુધી ઘટી જશે. અને ડીઝલની કિંમત 18 રુપિયા ઓછી કરી શકાશે.

દિગ્વિજયસિંહના આક્ષેપો પર પલટવાર કરતાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ‘કોંગ્રેસ વારંવાર પૂછે છે કે, બધા પૈસા ક્યાં ગયા? તો હું આપને જણાવી દઉં કે, બધા પૈસા સરકારની તિજોરીમાં ગયા અને ત્યાંથી દેશની જનતાના સેવા કાર્યોમાં વપરાયા છે’. રોડ રસ્તાઓ તેમજ અન્ય યોજનાઓમાં પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.