‘ડસ્ટ એટેક’થી દિલ્હી બેહાલ, શિમલામાં પણ પ્રદૂષણથી પર્યટકો પરેશાન

0
1546

નવી દિલ્હી- રાજધાની દિલ્હી અને NCRમાં સતત ચોથે દિવસે પણ હવા ઝેર સમાન બની રહી છે. જોકે આજે હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીએ શહેરમાં મોટા પાયે પાણીનો છંટકાવ કરાવ્યો છે. દિલ્હીની વધારે પ્રદૂષિત જગ્યાઓ જેવી કે, રામલીલા મેદાન સહિત અન્ય સ્થળો જ્યાં હવાની ગુણવત્તા વધુ ખરાબ નોંધાઈ હતી ત્યાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેના લીધે હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધાયો છે.દિલ્હીમાં પાણીના છંટકાવને કારણે ધૂળના પ્રવાહમાં ઘટાડો થયો છે જેના કારણે હવાની ગુણવત્તામાં વધારે સુધારો થવાની ધારણા છે. જેના લીધે આગામી દિવસોમાં દિલ્હીવાસીઓને રાહત મળી શકે છે.

મહત્વનું છે કે, રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પર હાલમાં પવનની ઝડપી ગતિને કારણે લૂ ચાલી રહી છે. જેના લીધે રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બ સર્જાયું છે. પરિણામે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણમાં વધારો થયો છે. હવામાન ખાતાએ 15થી 18 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ધૂળની આંધીની શક્યતા વ્યક્ત કરી છે. અને હળવા વરસાદની પણ આગાહી કરી છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં પીએમ 10નું સ્તર 626 અને દિલ્હીમાં 650 નોંધાયું હતું. ઉપરાંત દિલ્હી-એનસીઆરમાં પીએમ 2.5નું સ્તર 162 અને દિલ્હીમાં 164 નોંધવામાં આવ્યું હતું.

બીજી તરફ પહાડી પર્યટન સ્થળ હિમાચલ પ્રદેશના શિમલામાં પણ પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધૂળના તોફાનને લીધે અહીંની વિઝિબલીટી ઘટીને 200 મીટર થઈ હતી. જોકે આગામી દિવસોમાં હવાના ગુણવત્તામાં સુધારો થવાની ધારણા છે.