દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના મુદ્દે મહત્વપૂર્ણ બેઠકમાં ન પહોંચ્યાં અધિકારીઓ કે સાંસદ

નવી દિલ્હી: દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે સાંસદો અને ઉચ્ચ અધિકારીઓની મોટી બેદરકારી પ્રકાશમાં આવી છે. શહેરી વિકાસ મંત્રાલય અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણના મુદ્દે ચર્ચા થવાની હતી, પરંતુ બેઠક મુલતવી રાખવી પડી હતી. આનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. કારણ કે કેટલાક સાંસદો અને અધિકારીઓ આ બેઠકમાં પહોંચ્યાં ન હતાં. સાંસદ જગદમ્બિકા પાલ સંસદની આ સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં ફક્ત ચાર સાંસદ પહોંચ્યા હતાં. જેમાં પ્રમુખ જગદમ્બિકા પાલ, હસનૈન મસુદી, સીઆર પાટિલ અને સંજય સિંહ શામેલ છે.

આ દિલ્હીના 3 એમસીડી કમિશનરો પણ આ બેઠકમાં પહોંચ્યાં ન હતાં, જેમને હાજર રહેવાનું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક આજે સવારના 11 વાગ્યે સંસદના એનેક્સીમાં યોજાવાની હતી. પરંતુ આ સ્થાયી સમિતિના સભ્ય એવા હેમા માલિની અને ગૌતમ ગંભીર બેઠકમાં ગેરહાજર રહ્યાં હતાં. ગૌતમ ગંભીર હાલમાં ઈન્દોરમાં ચાલી રહેલી બાંગ્લાદેશ ટેસ્ટ મેચની કોમેન્ટરી આપી રહ્યો છે. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીના લોકસભા સાંસદ પણ છે.

હવે આ સમગ્ર મામલામાં શહેરી વિકાસ મંત્રાલયની સ્થાયી સમિતિએ સાંસદો અને અધિકારીઓની ગેરહાજરી અંગે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે આ મામલે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરને સવાલ પૂછાયો ત્યારે જાવડેકરે કહ્યું હતું કે તેઓને આ બેઠકની જાણકારી ન હતી.. હવે તેઓ આ સમગ્ર મામલાની તપાસ કરાવશે.