ભાડું વધવાથી 5 લાખ લોકોએ દિલ્હી મેટ્રો સાથે ‘છેડો ફાડ્યો’

નવી દિલ્હી- દિલ્હી મેટ્રોના ભાડામાં વધારો કરાયા બાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દૈનિક મુસાફરી માટે 5 લાખથી વધુ લોકોએ મેટ્રોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. આ માહિતી એક RTI દ્વારા મેળવવામાં આવી છે.RTI દ્વારા મળેલી માહિતી અનુસાર આઠ મહિના પહેલાં જ્યારે મેટ્રોના ભાડામાં વધારો કરવામાં આવ્યો ત્યારથી જ મેટ્રોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાની શરુઆત થી ગઈ હતી. આ વર્ષે 2018માં માર્ચ, એપ્રિલ ને મે મહિના દરમિયાન ગત વર્ષ એટલે કે, માર્ચ, એપ્રિલ અને મે 2017ની સરખામણીમાં દિલ્હી મેટ્રોમાં પ્પવાસ કરનારા યોત્રીઓની સંખ્યામાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મેટ્રોના ભાડમાં વધારો કરાયા બાદ નવેમ્બર, ડિસેમ્બર 2017, અને જાન્યુઆરી, ફેબ્રુઆરી 2018માં દૈનિક ધોરણે પ્રવાસ કરનારા લોકોની સંખ્યા અનુક્રમે 24.38 લાખ, 22.71 લાખ, 23.01 લાખ અને 22.18 લાખ નોંધાઈ હતી. જોકે, પ્રવાસીઓની સંખ્યામાં થયેલા ઘટાડાને દિલ્હી મેટ્રો હવામાનમાં બદલાવ અને તહેવારોને કારણે પડનારી રજાઓને જવાબદાર ગણાવે છે.

આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે 2018 દરમિયાન 22 લાખ, 22.67 લાખ અને 22.5 લાખ લોકોએ દૈનિક ધોરણે દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. જ્યારે માર્ચ, એપ્રિલ અને મે 2017 દરમિયાન અનુક્રમે 27.6 લાખ, 27.5 લાખ અને 26.5 લાખ લોકોએ દૈનિક ધોરણે દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો.

દિલ્હીના મેટ્રોના અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે, ઉનાળા વેકેશન દરમિયાન મેટ્રોના મુસાફરોની સંખ્યામાં વધારો થશે પરંતુ તેવો કોઈ જ ધસારો નોધાયો નહીં. જોકે દિલ્હી મેટ્રોમાં પ્રવાસીઓના સંખ્યા ઘટવા પર રાજકારણ શરુ થઈ ગયું છે. દિલ્હીની કેજરીવાલ સરકારના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે મેટ્રોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટવા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે.