દિલ્હીમાં સામુહિક મરણનો મામલો આત્મહત્યાનોઃ પોલીસનો પુનરોચ્ચાર

નવી દિલ્હી – ઉત્તર દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ પરિવારના 11 સભ્યો એમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાની ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આઠ જણના રિપોર્ટ આવી ગયા છે. એના પરથી પોલીસનું કહેવું છે કે આઠ જણના પોસ્ટમોર્ટમ પરથી કોઈ ઝપાઝપી થઈ હોવાનું માલુમ પડ્યું નથી અને એ તમામ લટકી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

આઠ જણના પ્રાથમિક રિપોર્ટ તૈયાર થઈ ગયા છે જ્યારે બાકીના ત્રણ જણની વિગતો આવવાની બાકી છે.

મૃતકોમાં ચાર પુરુષ અને 7 મહિલા છે.

ઉલ્લેખનીય છે કે, બુરાડી વિસ્તારના સંત નગરમાં ગલી નંબર-2માં આવેલા મકાનમાં ભાટિયા પરિવાર રહેતો હતો. 11માંના 10 સભ્યો રવિવારે છત સાથે લોખંડની જાળી સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતા મળી આવ્યા હતા. પરિવારના સૌથી મોટા અને માતા, 77 વર્ષના નારાયણદેવી ઘરના બીજા રૂમમાં જમીન પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.

મૃતકોમાં કોઈકના હાથ બાંધેલા હતા તો કોઈકના પગ બાંધેલા હતા. કોઈના મોઢા પર પટ્ટી બાંધેલી હતી તો કોઈકની આંખો પર.

મૃતકોના નામ છે – નારાયણદેવી, એમની પુત્રી પ્રતિભા (57), એમનાં બે પુત્રો – ભવનેશ (50) અને લલિત ભાટિયા (45), ભવનેશની પત્ની સવિતા (48) અને એમનાં ત્રણ બાળકો મીનુ (23), નિધિ (25) અને ધ્રુવ (15), લલિત ભાટિયાની પત્ની ટીના (42) અને એમનો 15 વર્ષનો પુત્ર શિવમ તથા પ્રતિભાની પુત્રી પ્રિયંકા (33). પ્રિયંકાની ગયા મહિને સગાઈ કરવામાં આવી હતી અને આ વર્ષના અંતમાં એનાં લગ્ન થવાના હતા.

નારાયણદેવીને એક અન્ય પુત્ર અને પુત્રી પણ છે જે દૂર રહે છે.

એનએનજેપી હોસ્પિટલના મેડિકલ સુપ્રીન્ટેન્ડન્ટ જે.સી. પાસ્સીએ સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે અમે તમામ 11 મૃતદેહોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા આજે બપોરે 3 વાગ્યે પૂરી કરી લીધી હતી. એ માટે બે બોર્ડની રચના કરાઈ હતી. અમે રવિવારે સાંજે 6થી મધરાતે 12 અને આજે સવારે 9થી બપોરે 3, એમ બે શિફ્ટમાં કામ કર્યું હતું. અંતિમ રિપોર્ટ પોલીસને સુપરત કરી દેવામાં આવ્યો છે.

મૃતકોમાં નારાયણદેવીનાં બે પુત્રો અને એમના પરિવારજનો તેમજ 15 વર્ષના બે છોકરાનો સમાવેશ થાય છે. બે છોકરા અને એમના દાદી સહિત આઠ જણના પોસ્ટમોર્ટમ પરથી એવું કંઈ માલુમ પડ્યું નથી કે એમને ગળું ઘોંટીને મારી નાખવામાં આવ્યા હોય કે કોઈ ઝપાઝપી થઈ હોય. એ લોકો લટકી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

આ મરણો આત્મહત્યા છે કે હત્યા એ વિશે લોકોમાં ચકચાર જાગી છે.

એક મૃતક ભાઈનો ફર્નિચર-પ્લાયવુડનો ધંધો હતો તો બીજાની અનાજ-કરિયાણાની દુકાન છે. ભાટિયા પરિવારની એમના મકાનના ભોંયતળિયે કરિયાણાની દુકાન છે. એ દુકાન સામાન્ય રીતે સવારે 6 વાગ્યે ખુલી જાય, પણ રવિવારે એ દુકાન 7.30 વાગ્યા સુધી ખુલી નહોતી. એક પડોશી સવારે દૂધ ખરીદવા ગયો ત્યારે એણે દુકાન બંધ જોઈ. એ ઉપર ગયો હતો અને જોયું તો મૃતદેહોને જોઈને ડઘાઈ ગયો હતો. એણે તરત જ પોલીસને જાણ કરી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે પહેલા એવી શંકા ગઈ હતી કે નારાયણદેવીનું મૃત્યુ ગળું ઘોંટવાને કારણે થયું હતું, પરંતુ ડોક્ટરોએ કહ્યું કે એમનું મૃત્યુ અડધા લટકી જવાને કારણે થયું હતું. એમના મૃતદેહની નજીક એક દોરડું લટકતું જોવા મળ્યું હતું અને હવે તપાસ ચાલી રહી છે કે એમની ગરદન પરથી એ કોણે કાઢી લીધું હતું. પ્રાથમિક તપાસ પરથી એવું જણાયું છે કે તમામનું મૃત્યુ લટકી જવાને કારણે થયું હતું.

ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ એક રજિસ્ટર પોલીસના હાથમાં આવ્યું છે.

ઘટનાસ્થળેથી મળી આવેલી હસ્તલિખિત નોંધ પરથી એવી શંકા ગઈ છે કે આ સામુહિક આત્મહત્યાનો કેસ છે, જે કોઈક તાંત્રિક વિધિને પગલે હાથ ધરાઈ હશે. રજિસ્ટરની એ નોંધમાં અલૌકિક શક્તિઓ, મોક્ષ, આત્માનો આધ્યાત્મ સાથે સંબંધ જેવી વાતો લખી છે. રજિસ્ટરના અન્ય પાનામાં લખેલું છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો જીવનનો ત્યાગ કરવો પડશે. જીવનને ત્યાગવા માટે મૃત્યુને અપનાવવું પડશે. તેમાં કષ્ટ હશે, કષ્ટથી છુટકારો મેળવવો હોય તો આંખો બંધ કરવી પડશે. જો આપણે પરમાત્માને મળવું હોય તો આપણે હાથ, પગ અને મોઢું બાંધી દઈશું જેથી કોઈની વાત સાંભળી ન શકીએ.

ઘરના મંદિરમાં દરેક મૃત વ્યક્તિના મોબાઈલ બંધ પડેલા હતા.

સીસીટીવી ફૂટેજ પરથી જોઈ શકાય છે કે શનિવારે રાતે લગભગ 10.40 વાગ્યે ભાટિયાનાં ઘેર કોઈક ફૂડ ડિલિવર કરવામાં આવ્યું હતું. આશરે 11 વાગ્યે પ્રિયંકાએ પોતાનાં લગ્નની ખરીદી વિશે એનાં પિતરાઈ સાથે ચેટિંગ કર્યું હતું.

પોલીસને શંકા છે કે મૃતક પરિવારના અમુક સભ્યો કોઈક અલૌકિક શક્તિઓના ફોલોઅર્સ હતા. તેઓ કોઈક તાંત્રિકના ચક્કરમાં હતા અને વહેમમાં આવી જઈને એમણે આત્મહત્યાનું અંતિમ પગલું લીધું હશે.