ઈન્ડોનેશિયામાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાઈલટ ભારતીય હતા

નવી દિલ્હી/જકાર્તા – આજે સવારે ઈન્ડોનેશિયાના જકાર્તાથી પંગકલ પિનાંગ તરફ જતી વખતે દરિયામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા લાયન એરના વિમાનના પાઈલટ ભારતીય હતા. એમનું નામ છે ભવ્ય સુનેજા.

ફ્લાઈટ JT610 સમુદ્રમાં તૂટી પડી હતી ત્યારે એમાં 189 પ્રવાસીઓ સફર કરી રહ્યા હતા.

વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓમાં 178 પુખ્ત વયનાં પ્રવાસીઓ હતા, એક બાળક, બે ભૂલકાં, સાત ક્રૂ મેમ્બર્સ હતા. ક્રૂ મેમ્બર્સમાં બે પાઈલટ અને પાંચ ફ્લાઈટ અટેન્ડન્ટ્સનો સમાવેશ થાય છે.

31 વર્ષીય ભવ્ય સુનેજા દિલ્હીના મયૂર વિહાર વિસ્તારના રહેવાસી હતા. તેઓ 2011માં લાયન એરમાં જોડાયા હતા.

લાયન એર સસ્તા ભાડામાં લોકોને વિમાન સફર કરાવવા માટે ઈન્ડોનેશિયામાં જાણીતી છે.

ભવ્ય સુનેજા પરિણિત હતા. એમના પત્ની ગરિમાએ હજી બે દિવસ પહેલાં જ તો એમણે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું, પણ ત્યારે એમને ખબર નહોતી કે બે દિવસ પછી એમના પર દુઃખનો કેવો મોટો પહાડ તૂટી પડવાનો છે. ભવ્ય અને ગરિમાનાં 2016માં એરેન્જ્ડ મેરેજ થયા હતા.

લાયન એરના જણાવ્યા મુજબ, સુનેજાને 6,000 ફ્લાઈટ કલાકોનો અનુભવ હતો.

સુનેજાના લિન્ક્ડઈન પ્રોફાઈલ અનુસાર, સુનેજાએ 2009માં બેલ એર ઈન્ટરનેશનલમાંથી પાઈલટનું લાઈસન્સ હાંસલ કર્યું હતું. 2010માં તેઓ ટ્રેઈની પાઈલટ તરીકે એમિરેટ્સ કંપનીમાં જોડાયા હતા.

એમની નિકટનાં લોકોનું કહેવું છે કે સુનેજા મૃદુભાષી સ્વભાવના હતા અને બોઈંગ 737 વિમાન ઉડાડવાનો ખાસ્સો એવો અનુભવ ધરાવતા હતા. એમનો રેકોર્ડ એક્સીડન્ટ-ફ્રી હતો.

ભારતમાં બોઈંગ 737 વિમાનનું સંચાલન કરતી એક એરલાઈનના વાઈસ પ્રેસિડન્ટનું કહેવું છે કે સુનેજા ભારત પાછા ફરવા ઈચ્છતા હતા અને દિલ્હીમાં એમનું પોસ્ટિંગ થાય એવી એમની ઈચ્છા હતી.