નેવી માટે ‘મેક ઈન ઈન્ડિયા’ હેલિકોપ્ટર તૈયાર કરવા રક્ષા મંત્રાલયની મંજૂરી

નવી દિલ્હી- સંરક્ષણ મંત્રાલયે ઈન્ડિયન નેવી માટે 217 અબજ રુપિયાની કિંમતના 111 હેલિકોપ્ટર ખરીદવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. વધુમાં સંરક્ષણ મંત્રાલયએ એમ પણ જણાવ્યું કે, ‘મેક ઈન ઈન્ડિયા’ યોજના અંતર્ગત આ હેલિકોપ્ટરનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે.આ યોજનાનું પ્રારંભિક ધ્યેય ચાર પ્રકારના સૈન્ય સામાન જેવાં કે, ફાઈટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સબમરીન અને સશસ્ત્ર વાહનો તૈયાર કરવાનું છે. સંરક્ષણ સામાનની ખરીદી માટેની આ નીતિ વર્ષ-2017ના મે મહિનામાં રજૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત આ પ્રકારની નીતિનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેથી કોઈ વિદેશી વિક્રેતા દ્વારા ટ્રાન્સફર ટેકનોલોજીના આધારે ભારતીય કંપનીઓ ભારતમાં જ સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરી શકે છે.

મળતી માહિતી મુજબ આ નીતિ અંતર્ગત ભારતીય વાયુ સેના માટે 110 હળવા મધ્યમ વિમાન, ભારતીય નેવી માટે 123 મલ્ટી રોલ હેલિકોપ્ટર, 111 યૂટિલિટી હેલિકોપ્ટર અને 6 પરંપરાગત સબમરીન દેશમાં જ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સંરક્ષણ ખરીદ વિભાગે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 8 હાઈસ્પીડ પેટ્રોલ બોટની ખરીદીને પણ મંજૂરી આપી છે. આશરે 8 અબજ રુપિયાની કિંમતની બોટનું નિર્માણ સંપૂર્ણપણે સ્વદેશી રીતે કરવામાં આવશે.