આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદા 31 માર્ચ સુધી વધારશે સરકાર

નવી દિલ્હી- કેન્દ્ર સરકાર સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને અનિવાર્ય કરવાની સમય મર્યાદા વધારીને 31 માર્ચ 2018 કરશે. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડની અનિવાર્યતાને લઈને સુનાવણી દરમિયાન સરકારે પોતાનો પક્ષ રજૂ કરતાં આ વાત કરી હતી. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધી સરકારી યોજનાઓનો લાભ લેવા 31 ડિસેમ્બર 2017 સુધીમાં આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

ગત રોજ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ વાત કરી હતી. આધાર કાર્ડની અનિવાર્યતા પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુપ્રીમ કોર્ટે સંવૈધાનિક બેન્ચની રચના કરવાની પણ વાત જણાવી છે. જેની રચના આગામી સપ્તાહે કરવામાં આવશે. ત્યારબાદ આ બેન્ચ તમામ અરજીઓ પર સુનાવણી કરશે.

કેસની સુનાવણી દરમિયાન આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટમાંથી કેસને ઝડપી નિકાલ કરવાની પણ માગ કરી છે.