વાવાઝોડું ‘તિતલી’ આવતીકાલે સવારે 5.30 વાગ્યે ઓડિશા પર ત્રાટકશે; શાળા-કોલેજો બંધ

ભૂવનેશ્વર – વિનાશકારી ચક્રવાતી વાવાઝોડું તિતલી આવતીકાલે, ગુરુવારે સવારે 5.30 વાગ્યે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકશે એવું ભારતીય હવામાન વિભાગનું કહેવું છે.

હાલ આ વાવાઝોડું બંગાળના અખાતમાં પશ્ચિમ-મધ્ય ભાગમાં અને ઓડિશાના ગોપાલપુરની દક્ષિણ-અગ્નિ બાજુએ જામ્યું છે અને તે ધીરે ધીરે ઓડિશાના દક્ષિણ ભાગ તરફ અને આંધ્ર પ્રદેશના ઉત્તર ભાગ તરફ આગળ વધી રહ્યું છે.

આ કુદરતી આફતના ત્રાટકને ધ્યાનમાં રાખીને ઓડિશામાં આવતીકાલે તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

ઓડિશાના પાંચ જિલ્લામાં સમુદ્રકાંઠે વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યા છે.

એવી આગાહી કરવામાં આવી છે કે આવતીકાલે સવારે વાવાઝોડું ત્રાટકશે એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 145 કિ.મી.ની હશે.

તિતલીને અત્યંત તીવ્ર વાવાઝોડા તરીકે અપગ્રેડ કરવામાં આવ્યું છે.

વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર અને કલિંગપટનમ વચ્ચે ત્રાટકે એવી સંભાવના છે. એ વખતે ઓડિશાથી લઈને બાંગ્લાદેશ અને ઈશાન ભારતમાં ગુરુવારે સવારથી ભારે વરસાદ પડે એવી સંભાવના છે. એની અસર રવિવાર વહેલી સવાર સુધી રહી શકે છે.

નવરાત્રી અને દશેરા તહેવારોને કારણે ઘણા પર્યટકો ઓડિશાના પુરી અને કોણાર્ક શહેરોમાં આવ્યા છે. પરંતુ હવે તેઓ વાવાઝોડા તિતલીને કારણે પરિવહનનું જે સાધન મળે એ પકડીને પાછા ભાગી રહ્યાં છે.