‘તિતલી’ વાવાઝોડું 11 ઓક્ટોબરે ત્રાટકવાની સંભાવના; સામનો કરવા ઓડિશા સજ્જ

ભૂવનેશ્વર – ચક્રવાતી વાવાઝોડું ‘તિતલી’ 11 ઓક્ટોબરે સવારે ઓડિશા રાજ્યના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકે એવી સંભાવના છે અને હવામાન વિભાગે એલર્ટ ઘોષિત કરી દીધું છે ત્યારે ઓડિશા સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે કે વાવાઝોડાનો સામનો કરવા માટે એકદમ સજ્જ રહેવું અને એક પણ જાનહાનિ ન થાય એની તકેદારી રાખવી.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળના અખાત પર સર્જાયેલું હવાનું નીચું દબાણ આગામી 24 કલાકમાં ઉગ્ર વાવાઝોડાનું રૂપ ધારણ કરશે અને 11 ઓક્ટોબરની સવારની આસપાસ ઓડિશા પરથી તેમજ પડોશના ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો પરથી પસાર થવાની સંભાવના છે.

ઓડિશાના ગંજમ, ખોરધા અને પુરી જિલ્લાઓમાં સમુદ્રકાંઠા નજીક વસતા લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડી દેવાના પગલાં લેવામાં આવ્યા છે.

ગજપતિ, ગાંજમ, ખોરધા, નયાગઢ, પુરીમાં સમુદ્રકાંઠે કાચા ઘરોમાં રહેનારાઓને વધારે માઠી અસર પડી શકે છે. તેથી એમને પાકા મકાનોમાં ખસેડી લેવામાં આવી રહ્યા છે.

સામાન્ય રીતે, ચક્રવાતી વાવાઝોડું ફૂંકાય ત્યારે પૂર પણ આવતું હોય છે એટલે એવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

જુદા જુદા જિલ્લાઓમાં સ્પેશિયલ રીલિફ ઓર્ગેનાઈઝેશન તરફથી 300 પાવર બોટ્સ તૈયાર રાખવામાં આવી છે. તદુપરાંત નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ તથા અગ્નિશામક દળના જવાનો પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ ગયા છે.