ફોની વાવાઝોડું બંગાળ તરફ આગળ વધ્યું, યુપીમાં 4 લોકોના મોત

નવી દિલ્હી- ફોની વાવાઝોડાને પગલે અનેક જગ્યાએ તેજ પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. ગુરુવારે વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ચક્રવાતી વાવાઝોડુ ફોની શુક્રવારે સવારે ઓડિશાના પુરી કાંઠે અથડાયું હતું. અહીં હજારો વૃક્ષો અને થાંભલા પડી ગયા છે. તે ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે અનેક મકાનોને નુકસાન થયું છે. ઓડિશામાં ભયંકર નુકસાન કરીને ફોની બંગાળ તરફ આગળ વધ્યું છે.

ફોનીની અસરથી કોલકાતામાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પોતાની બે દિવસની તમામ ચૂંટણી સભાઓ રદ કરી દીધી છે. બીજી બાજુ ચક્રવાતની અસર ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. અંહી ચંદૌલીમાં ચક્રવાતના કારણે 4 લોકોના મોત થયાં છે. આ માહિતી યુપી સીએમઓના ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ફોની વાવાઝોડુ બંગાળ થઈ બાંગ્લાદેશ તરફ આગળ વધશે એવામાં પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ પહેલાં ઓડિશામાં અગમચેતીના પગલાં રૂપે 15 જિલ્લામાંથી 11 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. 20 વર્ષ બાદ ઓડિશામાં ટકરાનારું આ સૌથી ખતરનાક વાનાઝોડુ છે.

ઈમરજન્સી નંબર

ઓરિસ્સા- 06742534177, ગૃહ મંત્રાલય- 1938, સિક્યુરિટી- 182

દિલ્હી હવામાન વિભાગના મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું કે, આગામી ત્રણ કલાકમાં વાવાઝોડું નબળું પડવાનો અંદાજ છે. હવાની સ્પીડ 150થી 160 કિમી પ્રતિ કલાકની થઈ જશે. તે ધીમે ધીમે નબળું પડીને ઉત્તર-પશ્ચિમી તરફ જતુ રહેશે. ફોની આંધ્રપ્રદેશથી આગળ વધ્યું છે. તેના કારણે રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે ફોનીનો મુખ્ય વિસ્તાર લગભગ 25 કિલોમીટરનો હતો. જેની અસરથી 150થી 175 કિમી પ્રતિ કલાકની જડપે પવનો ફુંકાઈ રહ્યાં છે. કેટલાંક સ્થળો પર પવનની ગતી લગભગ 200 કિમી પ્રતિકલાક સુધી પહોંચી હતી.

એનડીઆરએફએ એડ્વાઈઝરીમાં કહ્યું છે કે, વાવાઝોડા પછી ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં ન જવું. વીજળીના ખુલા તારને ન અડવું. એનડીઆરએફએ પ્રભાવિત વિસ્તારોમાં કામગીરી શરુ કરી દીધી છે.

શુક્રવાર સવાર સુધીમાં ઓડિશામાં 11.50 લાખ લોકોને સંવેદનશીલ વિસ્તારમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યાં છે. કાંઠાના વિસ્તારના લોકોને રાહત કેન્દ્ર, શાળા, કોલેજો તથા અન્ય સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા છે. રાજ્યમાં 3 હજાર રાહતકેમ્પો બનાવાયા છે. આ ઉપરાંત 18 એનડીઆરએએફ તથા 525 ફાયરની ટીમ તૈયાર કરાઈ છે. પશ્ચિમ બંગાળમાં એલર્ટને ધ્યાનમાં રાખી શુક્રવાર-શનિવારે કોલકાતા એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે દ્વારા બે દિવસમાં અમદાવાદ આવતી 2 ટ્રેનો સહિત 103 ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. વધુમાં પેસેન્જરોની સુવિધા માટે મુખ્ય સ્ટેશનો પર હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

સીએમ પટનાયકે તમામ તૈયારીની જાણકારી મેળવી

ઓડિશા મુખ્યપ્રધાન નવીન પટનાયક ગુરુવારે મોડી સાંજે પુરીની રાહત શિબિર સંગઠન કાર્યાલય પહોંચ્યા હતા અને દરેક તૈયારીની માહિતી લીધી હતી. તેમણે લોકોને ઘર અને શિબિરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમણે દરેક ઓફિસરોને પરિસ્થિતિનો સામનો કરવા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો છે.

એનડીઆરએફની 28, ઓરિસ્સાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપિડ ફોર્સની 20 યૂનિટ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના 525 લોકો રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર છે. તે સિવાય સ્વાસ્થય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે. આ સિવાય સ્વાસ્થય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે. રાહત શિબિરમાં ભોજનની વ્યવસ્થા કરવા માટે 5000 કિચન બનાવવામાં આવ્યા છે.

કાંઠાના વિસ્તારમાં વાહનવ્યવહાર બંધ

તટિય વિસ્તારમાં રેલ, રોડ અને હવાઈ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. ગુરુવારે મધ્યરાત્રીથી બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દરેક ઉડાન 24 કલાક માટે રદ કરી દેવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ પરથી પણ શુક્રવારે રાતથી શનિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં દરેક ઉડાન રદ કરવામાં આવી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]