અનેક રાજ્યોના ATMમાં રોકડની અછત, ષડયંત્રની આશંકા, કેન્દ્ર અને RBI સતર્ક

નવી દિલ્હી- દેશના અનેક રાજ્યોના ATMમાં કેશની અછત સર્જાઈ છે. મળતી માહિતી મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી રોકડ નાણાંનો પ્રવાહ ઘટવાના કારણે અછતની સ્થિતિ સર્જાઈ છે. તેને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોમાં રોકડની તંગીના સમાચાર છે. જેને લઈને રાજ્ય સરકારો પણ RBIના સંપર્કમાં છે.બીજી તરફ અચાનક આ પ્રકારની સ્થિતિ સર્જાતા કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ ઘટના માટે ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. શિવરાજસિંહે કહ્યું કે, ATMમાં નાણાંની અછત અંગે તેમણે કેન્દ્ર સરકાર સાથે વાત કરી છે. જો આમાં કોઈ ષડયંત્ર હોવાનું માલુમ પડશે તો, કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે.

સરકારી આંકડાઓ મુજબ નોટબંધી બાદ રુપિયા 5 લાખ કરોડની 2000ની નોટ બજારમાં મુકવામાં આવી હતી. ત્યારબાદ નાણાંની અછતની સમસ્યા નહીંવત થઈ ગઈ હતી, પરંતુ ફરીથી આ મુશ્કેલી વધી રહી છે. જોકે દેશના અનેક રાજ્યોમાં નાણાંની અછતના સમાચાર હોવા છતાં RBI અથવા નાણાંમંત્રાલય તરફથી આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

આ બાબતે બેન્કોનું કહેવું છે કે, સંગ્રહખોરીના કારણે આ પ્રકારની મુશ્કેલી સર્જાઈ છે. RBIના ડેટાના આધારે ગત 6 એપ્રિલે 18.2 લાખ કરોડ રૂપિયા માર્કેટમાં હતા, આ આંકડો નોટબંધી પહેલા વર્તમાન ચલણના લગભગ સમાન હતો.