આજથી 4-રાજ્યોમાં કેન્દ્ર દ્વારા કોરોનાનું ડમી રસીકરણ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા સામુહિક રસીકરણ કાર્યક્રમ હાથ ધરવાની જોરદાર તૈયારી કરી રહી છે. સરકારે કોરોના વાઈરસ મહાબીમારીની રસી મૂકવા માટે ટ્રાયલ રન (ડમી રસીકરણ) માટે ચાર રાજ્યોની પસંદગી કરી છે – ગુજરાત, આંધ્ર પ્રદેશ, આસામ અને પંજાબ. આ માટે સરકારે બે દિવસ પસંદ કર્યા છે. આજે, 28 ડિસેમ્બર અને આવતીકાલે, 29 ડિસેમ્બર. રસીની વિતરણ વ્યવસ્થા, રસી મૂકવાની પ્રક્રિયામાં કોઈ ખામી ન સર્જાય એ માટે તકેદારી રાખવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરાશે.

દેશમાં કોરોના વાઈરસ બીમારીના કેસની સંખ્યા તો એક કરોડને પાર કરી ચૂકી છે. સરકાર ઉક્ત ચારેય રાજ્યમાં બબ્બે જિલ્લામાં સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ડમી રસીકરણ કાર્યક્રમ હાથ ધરશે. તે અંતર્ગત 100-100 જણને ડમી રસી મૂકવામાં આવશે. ડ્રાય રનના ચાર તબક્કા રહેશે, જેની પર કેન્દ્ર સરકાર પૂરી દેખરેખ રાખશે. એક, દરેક જિલ્લાને નજીકના ડેપોમાંથી 100 લાભાર્થીઓ માટેની ડમી રસી પૂરી પાડવામાં આવશે બે, ડેપોમાંથી રસીકરણના કેન્દ્ર-સ્થળ સુધી રસીની સફર દરમિયાન તાપમાન નોંધવામાં આવશે. ત્રણ, રસીકરણ પૂર્વે લાભાર્થીને એડવાન્સમાં ફોન પર એસએમએસ મોકલવામાં આવશે, જેમાં વેક્સીનેટરનું નામ અને સમય દર્શાવવામાં આવશે. ચાર, દરેક લાભાર્થીને ડમી રસી મૂકાઈ ગયા બાદ સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે અડધો કલાક સુધી બેસાડી રાખવામાં આવશે, જો કંઈ અજુગતું બનશે તો કેન્દ્રીય સર્વર મારફત એનો ઈલાજ કરાશે. આ સમગ્ર ડ્રાય-રન ભારતના વેક્સિન ડિલીવરી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્લેટફોર્મ Co-Win દ્વારા હાથ ધરાશે. ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે.