રાહુલ ગાંધીનું નામ PM ઉમેદવાર તરીકે જાહેર નહીં કરે કોંગ્રેસ: પી. ચિદમ્બરમ

નવી દિલ્હી- વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરે. આ માહિતી પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે એક સમાચાર ચેનલને આપેલી મુલાકાત દરમિયાન જણાવી હતી. પી. ચિદમ્બરમે વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી જ નહીં કોંગ્રેસ પાર્ટી કોઈ પણ વ્યક્તિની દાવેદારીની જાહેરાત અત્યારથી નહીં કરે.ઉલ્લેનીય છે કે, કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી ક્ષેત્રીય પાર્ટીઓને એકજુટ કરવા પ્રયાસ કરી રહી છે. જેથી 2019ની ચૂંટણીમાં મજબૂત વિપક્ષના રુપમાં ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરી શકાય. આ ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ પોતાની પાસે રાખવા માગે છે. જેને લઈને ક્ષેત્રીય પાર્ટીઓમાં અલગ-અલગ અભિપ્રાય છે.

ચિદમ્બરમે કહ્યું કે, ‘અમે ક્યારેય એવું નથી કહ્યું કે, અમે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માગીએ છીએ. જ્યારે કેટલાક કોંગ્રેસી નેતાઓએ આ રીતે વાત કરી ત્યારે ઓલ ઈન્ડિયા કાંગ્રેસ કમિટિએ દખલ કરી અને તેમને આવી વાતો નહીં કરવા જણાવ્યું હતું’.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે વધુમાં કહ્યું કે, અમે ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવા માગીએ છીએ. અને એક વૈકલ્પિક સરકાર તૈયાર કરવા માગીએ છીએ.