કોંગ્રેસ-જેડીએસના 11 ધારાસભ્યોનું રાજીનામું, ગૌડાએ કહ્યું BJP સરકાર બની તો CM હશે..

બેંગ્લોરઃ કર્ણાટકમાં 13 મહિના જૂની કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પર ગંભીર સંકટ છવાયું છે. કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોના રાજીનામાની અટકળો છે. નારાજ થયેલાં ધારાસભ્યો સ્પીકર રમેશ કુમારને મળવા માટે વિધાનસભા પહોંચ્યાં હતાં જોકે તેઓ બહાર હોવાથી મુલાકાત ન થતાં તમામ ધારાસભ્યો રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યાં હતાં.

તો સ્પીકર રમેશ કુમારે સ્પષ્ટતામાં કહ્યું કે મારે મારી દીકરીને લેવા જવાનું હતું એટલે હું ઘેર ચાલ્યો ગયો. મેં મારી ઓફિસમાં કહી દીધું કે ધારાસભ્યોના રાજીનામાં રાખી લો અને મને જણાવી દેજો. આવતીકાલે રવિવારની રજા છે એટલે હું સોમવારે જ મામલો જોઈ શકીશ.

એમએલએ રામાલિંગા રેડ્ડી, બીસી પાટિલ, રમેશ જારકિહોલી, ઉમેશ કામતલ્લી, જેએન ગણેશ, બી.નાગેન્દ્ર, બાસ્વારાજ, એચ વિશ્વનાથ, નારાયણ ગૌડા અને ગોપાલાઈયા સ્પીકરને મળવા માટે પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સ્પીકર રમેશ કુમાર વિધાયકો મળવા માટે પહોંચે તે પહેલાં જ વિધાનસભામાંથી બહાર નીકળી ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેમને પહેલાં જ સમાચાર મળી ગયાં હતાં કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો તેમની સાથે મુલાકાત કરવા માટે આવી રહ્યાં છે. આ પહેલાં સોમવારના રોજ આનંદસિંહે રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય રામાલિંગાએ કહ્યું કે હું સ્પીકરને રાજીનામું આપવા માટે આવ્યો છું. મને મારી દીકરી ધારાસભ્ય સૌમ્યા રેડ્ડી મામલે ખ્યાલ નથી કે તે રાજીનામું આપશે કે નહી. હું કોઈના પર આરોપ નથી લગાવતો. મને લાગે છે કે મને ઘણાં મુદ્દે નજર અંદાજ કરવામાં આવ્યો છે. એટલા માટે મેં આ નિર્ણય લીધો છે. રાજ્યના ઉપમુખ્યપ્રધાન જી પરમેશ્વર અને ડીકે શિવકુમારે બેંગ્લોરમાં ધારાસભ્યો અને પાર્ષદોની બેઠક બોલાવી છે. શિવકુમારે કહ્યું કે કોઈ રાજીનામું નહીં આપે. હું તે ધારાસભ્યોને મળવા જઈ રહ્યો છું.

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ડીવી સદાનંદ ગૌડાએ પણ ગત મહિને કર્ણાટકના રાજનૈતિક સંકટને લઈને નિવેદન આપ્યું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે જો કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર જાતે જ પડી જાય તો સૌથી મોટી પાર્ટી હોવાના નાતે ભાજપ વિકલ્પ શોધશે. તેમણે દાવો કર્યો કે વિકાસના રસ્તામાં રાજનીતિ બાધા નહીં બને. ગૌડાએ કહ્યું હતું કે મોદી સરકારમાં શામેલ કર્ણાટકના પ્રધાન રાજ્યના હિત માટે કામ કરશે. તેમણે આ આરોપોને પણ ફગાવી દીધાં કે ભાજપ ગઠબંધન સરકાર પાડવાના પ્રયત્નો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી રાજ્ય સરકારને તોડી પાડવા માટે કોઈ કામ નહીં કરે.