મોદી, સોનિયા ગાંધી, મનમોહન સિંહે આપી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 102 મી જયંતી પર આજે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને યાદ કર્યા અને કહ્યું આપણા પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જયંતી પર તેમના સમાધી સ્થળ શક્તિ સ્થલ પર જઈને તેમને શ્રદ્ધાંજલી આપી. સોનિયા ગાંધી સિવાય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ શક્તિ સ્થળ પર પહોંચ્યા અને ઈન્દિરા ગાંધીને યાદ કર્યા. જો કે આ વખતે રાહુલ ગાંધી સમાધી સ્થળ પર જોવા ન મળ્યા. જ્યારે ગત વર્ષે તેમણે પણ શ્રદ્ધાંજલી અર્પી હતી.

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917 ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેઓ બે અલગ અલગ સમયમાં 15 વર્ષ કરતા પણ વધારે સમય સુધી દેશના વડાપ્રધાન રહ્યા. 31 ઓક્ટોબર 1984 ના રોજ તેમની હત્યા કરી દેવામાં આવી.