છેવટે મોદીએ સાધ્વી પ્રજ્ઞાને દિલથી માફ કરી જ દીધા: કોંગ્રેસે મોદીને ઘેર્યા

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને રક્ષા મંત્રાલયની સમિતિમાં મોટી જવાબદારી સૌંપવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞાને રક્ષા મંત્રાલયની સમિતિમાં સભ્યપદ આપવામાં આવ્યું છે. આ કમિટીના અધ્યક્ષ રાજનાથ સિંહ છે.

સાધ્વી પ્રજ્ઞાને લઈને કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ આને દેશના જવાનોનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ રક્ષા મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, આતંકવાદ ફેલાવનાર આરોપીને ડિફેન્સ પેનલમાં સ્થાન આપવું દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે પીએમ મોદીના ‘સાધ્વી પ્રજ્ઞાને કદી દિલથી માફ નહીં કરી શકુ’ એ નિવેદન પર કટાક્ષ કરતા લખ્યું કે, મોદી હૈ તો મુમકિન હૈ.

કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી પણ આ મુદ્દે પીએમ મોદી પર કટાક્ષ કરવામાં આવ્યો છે. સાધ્વી પ્રજ્ઞાને ડિફેન્સ પેનલમાં સામેલ કરીને પાર્ટીએ વીર જવાનોનું અપમાન કર્યું છે જે જવાનો આતંકવાદીઓથી દેશને સુરક્ષિત રાખે છે. પીએમ પર પ્રહાર કરતા કોંગ્રેસ લખ્યું કે, અંતે તેમણે પ્રજ્ઞાને દિલથી માફ કરી જ દીધું.

મોટાભાગે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારી સાધ્વી પ્રજ્ઞાએ હાલમાં ભોપાલથી મોટી જીત મેળવી હતી. લોકસભા ચૂંટણીમાં અનેક નિવેદનો પર વિવાદમાં પણ રહ્યા હતા. ડિફેન્સ કેસની આ કમિટીમાં કુલ 21 સભ્યો છે. તેમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું પણ નામ છે. કમિટીમાં ચેરમેન રાજનાથ સિંહના સિવાય ફારુક અબ્દુલ્લા, એ.રાજા, સુપ્રિયા સુલે, મીનાક્ષી લેખી, રાકેશ સિંહ, શરદ પવાર, જેપી નડ્ડા વગેરે સભ્યો પણ સામેલ છે.

દિલથી માફ નહીં કરી શકું:પીએમ મોદી

લોકસભાની ચૂંટણી સમયે જ્યારે સાધ્વી પ્રજ્ઞાએ નથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા ત્યારે વિપક્ષે હંગામો કર્યો હતો. વધતા વિવાદ બાદ પીએમ મોદીએ પણ નિવેદન આપ્યું હતું કે તે ક્યારેય પણ સાધ્વી પ્રજ્ઞાને મનથી માફ નહીં કરી શકીએ. આ પછી બીજેપીની તરફથી સાધ્વી પ્રજ્ઞાને વિવાદિત નિવેદનના કારણે કારણ આપતી નોટિસ ફટકારવામાં આવી હતી અને અનુશાસનાત્મક કમિટીને કેસ સૌંપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર 2008 માલેગામ વિસ્ફોટમાં આરોપી છે અને જામીન પર બહાર છે. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ભોપાલમાં પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને હાર આપી હતી.