ટિકિટ વહેંચણી માટે કોંગ્રેસની ફોમ્યૂલા તૈયાર, ટૂંકમાં જ થશે જાહેરાત

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત કોંગ્રેસ પાર્ટી ગઠબંધનના સાથીઓ ફાઈનલ કરવાની સાથે સાથે ટિકિટ વહેંચણીની પણ ટૂંકમાં જ જાહેરાત કરે તેવી શક્યતા છે. પાર્ટીએ લોકસભા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરુ કરી દીધી છે. પાર્ટીની અંદરના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોમાં થઈ રહેલા આંતરિક વિવાદોને જોતા પાર્ટી ટિકિટનો નિર્ણય પારદર્શી રાખવા ઈચ્છી રહી છે. જોકે પાર્ટીમાં તમામ નિર્ણયો દિલ્હીથી જ થાય છે તેવા આરોપોથી પણ કેન્દ્રીય નેતૃત્વ બચવા માગી રહ્યું છે, માટે પાર્ટી ટિકિટ વહેંચણી કમિટીમાં પ્રદેશ સંગઠન સાથે જોડાયેલા નેતાઓને પણ બરાબર હિસ્સો આપવા માગે છે.

અત્યાર સુધીમાં જે ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવ્યો છે તેમાં જે નામ જિલ્લા કોંગ્રેસ કમિટી અથવા પ્રદેશ કમિટી પસંદ કરશે તેના પર પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલની અધ્યક્ષતા ધરાવતી કમિટી અંતિમ નિર્ણય લેશે. આ કમિટીમાં પ્રદેશ પ્રભારી મહાસચિવ અને મહાસચિવ સાથે સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને વિધાનમંડળ દળના નેતા પણ શામેલ હશે. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં વિધાનમંડળ દળના નેતાની જગ્યાએ તેનો નામિત સદસ્ય કમિટીની સાથે ઉમેદવારોની લિસ્ટને શોર્ટ લિસ્ટ કરવાનું કામ કરશે.

કોંગ્રેસ પાર્ટી 15 માર્ચથી 30 માર્ચ સુધીમાં ઉમેદવારોનું નામ જાહેર કરવાની યોજના બનાવી રહી છે. માટે કેન્દ્રીય નેતૃત્વ એવું ઈચ્છી રહી છે કે, જિલ્લા અને પ્રદેશ કમિટીઓ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં ઉમેદવારોનું લિસ્ટ કેન્દ્રીય કાર્યાલયને સોંપી દે.

આ અંગે વેણુગોપાલે તમામ પ્રદેશ અધ્યક્ષોને એક લેટર લખ્યો છે. ઉમેદવારોની પસંદગીમાં પાર્ટી સંગઠન સાથે સાથે પાર્ટી કાર્યકર્તાઓ અને આમ લોકોના પણ મંતવ્યો લઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાટે ટિકિટની માંગ કરનારા ઉમેદવારો અંગે સામાન્ય જનતાના મંતવ્યો લેવા માટે એક ખાનગી એજન્સીની મદદ લેવામાં આવી રહી છે.

જે રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યાં છે, અને પ્રિયંકા ગાંધીને મહાસચિવ તરીકે સક્રિય રાજનીતિમાં રજૂ કરવામાં આવ્યાં છે, તેના પરથી એક વાતતો નક્કી જ છે કે, કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં તેમની જૂની ભૂલોનું પુનરાવર્તન કરવા નથી ઈચ્છતી. માટે સમયસર ટિકિટ અંગે નિર્ણય લેવાનો પ્લાન તૈયાર કરી રહી છે.