રાહુલ ગાંધી: 3 મહિનામાં સમજી જશે મોદી, RSS અને ભાજપ

નવી દિલ્હી- દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કોંગ્રેસ પાર્ટીના લઘુમતિ સેલના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં સિલચરના સાંસદ અને ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુષ્મિતા દેબ તરફથી તીન તલાક કાયદો ખતમ કરવાની વાત કરવામાં આવી છે.

તો બીજી તરફ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં ભાજપ, આરએસએસ, અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું કે, આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ સ્થિતિ ક્લિયર થઈ જશે. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી, ભાજપ, અને આરએસએસને હરાવવા જઈ રહી છે. જે લોકો દેશમાં ધૃણા ફેલાવી રહ્યાં છે, તેમને સત્તા પરથી દૂર કરવામાં આવશે.

રાહુલે વધુમાં કહ્યું કે, હિન્દૂસ્તાનના વડાપ્રધાન માત્ર જોડવાની વાત કરી શકે છે, તોડવાની નહીં. તોડવાની વાત કરનારને સત્તા પર હટાવી દેવામાં આવશે. 2019માં નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસને કોંગ્રેસ પાર્ટી હરાવવા જઈ રહી છે. ભારતની સંસ્થાઓ કોઈ પાર્ટી સંબંધિત નથી, તે દેશ સંબંધિત છે. તેમનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે. પછી તે કોંગ્રેસ હોઈ કે, અન્ય કોઈ પાર્ટી.

આરએસએસ દેશની સંસ્થાઓ પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, અમે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢની સંસ્થાઓમાં બેસાડવામાં આવેલા RSS ના લોકોને દૂર કરશું. ભાજપ વિચારી રહી છે કે, તે રાષ્ટ્રની પણ ઉપર છે. ત્રમ મહિનામાં તેમને ખબર પડી જશે કે, રાષ્ટ્ર સૌથી ઉપર છે.

રાહુલે વધુમાં કહ્યું કે, હું ભાજપને ચેલેન્જ આપું છું કે, નરેન્દ્ર મોદીજી મારી સાથે 10 મિનિટ સુધી સ્ટેજ પર ચર્ચા કરશે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ચર્ચા કરી લે. તે ભાગી જશે. પરંતુ તે આ મુદ્દે ચર્ચા નહીં કરે. તે ડરેલા છે, ડરપોક છે.

ચીને પોતાની સેના ડોકલામમાં ખડકી દીધું પરંતુ વડાપ્રધાન મોદી ચીન સામે હાથ જોડીને ઉભા રહ્યાં. રાહુલે કહ્યું પાંચ વર્ષ સુધી તેમની સાથે લડ્યા બાદ મને વડાપ્રધાન મોદીના ચરિત્રની ખબર પડી ગઈ છે. જ્યારે કોઈ તેમની સામે ઉભુ રહે છે તો તે ત્યાંથી ભાગી જાય છે.