CJI મહાભિયોગ પ્રસ્તાવ: ઉપરાષ્ટ્રપતિના પ્રસ્તાવ રદ કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ

નવી દિલ્હી- ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવની મંજૂરી મેળવવા હવે કોંગ્રેસ પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવા અને અમિ યાજ્ઞિકે આ અંગે અરજી દાખલ કરી છે. આપને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ CJI સામેના મહાભિયોગ પ્રસ્તાવને રદ કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સંસદમાં આ મામલાને રજૂ કરવા તેઓ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરશે.

કોંગ્રેસના સાંસદોએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, એક વખત સાંસદો દ્વારા મહાભિયોગ પ્રસ્તાવ ઉપર હસ્તાક્ષર કરાયા બાદ ઉપરાષ્ટ્રપતિ પાસે અન્ય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. ઉપરાષ્ટ્રપતિએ આ નોટિસના આધારે તપાસ પંચની રચના કરવી જોઈએ અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની પુરી તપાસ કરાવવી જોઈએ.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની નોટિસનું ખંડન કરતાં જણાવ્યું હતું કે, CJI સામે લગાવવામાં આવેલા આરોપ પુરી રીતે સ્પષ્ટ થતા નથી. આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કાયદાપ્રધાન કપિલ સિબલે જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિનો નિર્ણય ઘણો ઉતાવળભર્યો છે. વેંકૈયા નાયડૂએ મહાભિયોગ રદ કરતાં પહેલાં જાણકારોની સલાહ લેવી જોઈતી હતી.