દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સુપ્રીમ કોર્ટના તમામ જજીસને મળ્યા; વિવાદ શમી ગયો

નવી દિલ્હી – દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા આજે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોને અહીં અનૌપચારિક રીતે મળ્યા હતા. આ જાણકારી એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું છે અને એવો દાવો કર્યો છે કે સુપ્રીમ કોર્ટને સંડોવતી કટોકટીનો અંત આવી ગયો છે.

વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે આજે સવારે કોર્ટની કામગીરી શરૂ થઈ એ પહેલાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તમામ ન્યાયાધીશોને મળ્યા હતા. હવે બધો જ મામલો શાંત થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર ન્યાયાધીશોએ ગયા અઠવાડિયે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર સીધો પ્રહાર કરીને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી વિશે જાહેરમાં સવાલ ઉઠાવતાં સર્વોચ્ચ અદાલત અભૂતપૂર્વ કટોકટીમાં સપડાઈ ગઈ હતી.

પરંતુ, આજે કોર્ટની સંપૂર્ણ બેઠક મળી હતી. એમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સહિત તમામ ન્યાયાધીશોએ હાજરી આપી હતી. બધું રાબેતા મુજબ ચાલ્યું હતું.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાએ પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ઊભો થયેલો વિખવાદ દૂર થઈ ગયો છે. તે એક આંતરિક બાબત હતી. સુપ્રીમ કોર્ટમાં તમામ કોર્ટ રૂમમાં કાર્યવાહી રાબેતા મુજબની ચાલી છે.