નાગરિકતા બિલનો વિરોધ ચરમ સીમાએઃ અસમમાં મંત્રીના ઘર પર હુમલો

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પસાર થયા પછી એના વિરોધમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં લઇને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં, ખાસ કરીને અસમના ગુવાહાટી અને ડિબ્રૂગઢમાં અનિશ્ચિત કાળ માટે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ગુવાહાટી અને જોરહાટમાં સેનાને બોલાવી લેવામાં આવી છે, જ્યારે ત્રિપુરામાં અસમ રાઈફલ્સના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ પ્રદર્શનકારીઓએ અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના ડિબ્રૂગઢ સ્થિત ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ સિવાય અસમના જ દુલિયાજનમાં પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી રામેશ્વરમ તેલીના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી.

સેનાના પીઆરઓ લેફ્ટનન્ટ પી. ખોંગસાઈએ જણાવ્યું કે, ગુવાહાટીમાં સેનાની બે ટીમોને તેનાત કરવામાં આવી છે. તિનસુકિયાથી અધિકારીઓ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં સેનાએ મોરચો સંભાળી લીધો છે અને ત્યાં અત્યારે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. આ પહેલા રક્ષા પ્રવક્તાએ શિલાંગમાં કહ્યું હતું કે ત્રિપુરામાં સેનાની બે ટીમો તેનાત કરવામાં આવી છે. અસમ રાઈફલ્સના જવાનોને ત્રિપુરામાં સેવામાં તેનાત કરવામાં આવ્યા છે.

શહેરોમાં વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે અસમના 10 જિલ્લામાં બુધવારે સાંજે 7 વાગ્યાથી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું કે શાંતિ ભંગ કરવા માટે સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવા અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા માટે ઈન્ટરનેટ સેવાઓને સ્થગિત રાખવામાં આવશે.

અસામાજીક તત્વો દ્વારા શાંતી ભંગ કરવાના પ્રયાસોને નિષ્ફળ કરવા માટે ત્રિપુરામાં પણ ઈન્ટરનેટ સેવાઓ પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે. ટ્રેન અને બસ સેવાઓ પણ રોકી દેવામાં આવી છે.

શરુઆતમાં અસમના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ભાસ્કર જ્યોતિ મહંતે જણાવ્યું કે કર્ફ્યૂ ગુરુવારે સવારે સાત વાગ્યા સુધી રહેશે જો કે બાદમાં અનિશ્ચિત કાળ માટે કર્ફ્યૂ વધારી દેવામાં આવ્યો છે. જો કે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવે અગરતલામાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે રાજ્યના કોઈપણ સ્થાન પર સેના તેનાત કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે, અસમ રાઈફલ્સની ટુકડીઓને સંવેદનશીલ વિસ્તારોમાં તેનાત કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક અન્ય સ્થાનો પર બીએસએફ અને સીઆરપીએફના જવાનો સુરક્ષામાં તેનાત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]