નાગરિકતા સંશોધન બિલ આ અઠવાડિયે લોકસભામાં રજૂ થશેઃ વિપક્ષો શું કરશે?

નવી દિલ્હી: એનઆરસી વિવાદ હજી પૂરો થયો નથી કે નાગરિકત્વ બિલ પર ફરીથી પ્રશ્નો શરૂ થયા છે. સંસદનું શિયાળુ સત્ર સમાપન તરફ આગળ વધી રહ્યું છે અને હવે સરકારનું સમગ્ર ધ્યાન નાગરિકતા સુધારણા બિલને પસાર કરાવવા પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તેને આવતા અઠવાડિયે લોકસભામાં રજૂ કરી શકે છે. પ્રથમ નાગરિકત્વ સુધારણા બિલને આજે કેબિનેટ દ્વારા મંજૂરી મળી ચૂકી છે.

સરકાર આ બિલને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યો સહિત અનેક પક્ષો તેનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર અહીં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવીને ભારતમાં ગેરકાયદે રીતે રહેતાં લોકોને નાગરિકત્વ આપવાની તૈયારી કરી રહી છે, જે લોકો મુસ્લિમ ન હોય. ભાજપને આ કાયદો ખૂબ મહત્વનો લાગે છે. આવતાં અઠવાડિયે અમિત શાહ તેને સંસદમાં રજૂ કરી શકે છે. જો કે, પૂર્વોત્તરના ઘણાં રાજ્યો મહિનાઓથી આ બિલનો વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસ તેને ગેરબંધારણીય ગણાવી રહી છે. તેમના મતે આ બિલ ભારતની મૂળભૂત કલ્પનાની વિરુદ્ધ છે.

ખરેખર, આ નાગરિકત્વ સુધારણા બિલ હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ગેરકાયદેર સ્થળાંતર કરનારાઓને નાગરિકત્વ આપવામાં આવશે. હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના સ્થળાંતરિતો આ બિલનો લાભ મળશે. મુસ્લિમો આ દાયરામાં શામેલ નથી.

આ બિલ સંદર્ભે તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું કે આસામના નાગરિકત્વ રજિસ્ટરમાંથી બાકી રહેલા બિનમુસ્લિમ સમુદાયના લોકોને ફરીથી નાગરિકત્વ આપવા માટે આ બિલ લાવવાની ઉતાવળ છે. ટીએમસી નેતા સૌગાતા રે કહે છે, ‘અમે નાગરિકતા (સુધારા) બિલની વિરુદ્ધ છીએ. આ બંધારણ વિરોધી બિલ છે. એનઆરસી મુદ્દે જે પ્રતિક્રિયા આવી રહી છે તેના પર કવરઅપ માટે સરકાર આ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. મિઝોરમના રાજ્યસભાના સાંસદ રોનાલ્ડ લોઝ પણ કહે છે કે ભારતમાં ધર્મના આધારે નાગરિકત્વ આપવું ખોટું હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]